Site icon Revoi.in

ઉંમરગામના નારગોલ બીચ પર નૂતન વર્ષના પ્રથમ દિવસે પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં

Social Share

વલસાડઃ દિવાળીના તહેવારોમાં લાભ પાંચમ સુધી રજાઓનો માહોલ રહેશે, હાલ તમામ પર્યટક સ્થળોએ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં ઉમરગામ તાલુકાના નારગોલ ગામનો સુંદર દરિયા કિનારો પ્રવાસીઓ માટે આકર્ષક બની રહ્યો છે. નારગોલ બીચ  દેશભરના પ્રવાસીઓને વર્ષ દરમિયાન આકર્ષિત કરતું હોય છે. ત્યારે હાલે દિવાળી વેકેશન દરમિયાન ગુજરાતના સુરત, અમદાવાદ, બરોડા સહિત મહારાષ્ટ્રના મુંબઈ, નાસિક, પુના જેવા સ્થળોથી  મોટી સંખ્યામાં પ્રવાસીઓ નારગોલ બીચ ખાતે આવી રહ્યા છે. અને બીચ પર દરિયાઈ મોજ માણી રહ્યા છે.

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ બીચ ખાતે ઉનાળા અને દિવાળીના વેકેશનમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.  વલસાડ જિલ્લાના તમામ બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું  સ્થાન બની રહ્યા છે. નારગોલ બીચ ઉપર ગુજરાત અને મહારાષ્ટ્રથી સહેલાણીઓ મોટી સંખ્યામાં સહેલાહ માણવા આવી રહ્યા છે. મહારાષ્ટ્ર  ઉપરાંત સ્થાનિક ઉમરગામ તાલુકાના અનેક ગામોથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ નારગોલ ગામના ચોર તલાવડી બીચ, માંગેલવાડ બીચ અને માલવણ બીચ ખાતે જોવા મળી રહ્યા છે. દિન પ્રતિદિન વધી રહેલી પ્રવાસીઓની સંખ્યાને જોતા નારગોલ ગામના દરિયા કિનારે  ગુજરાત સરકાર પ્રવાસન ક્ષેત્રનો વિકાસ કરી રહી છે. તેનાથી સ્થાનિક કક્ષાએ રોજગારીની મોટી તક ઊભી થશે. દિવાળીની રજાઓમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રવાસીઓના આગમનના કારણે દરિયા કિનારા તરફના માર્ગ ઉપર વધેલા ટ્રાફિક નિયંત્રણ માટે સ્થાનિક મરીન પોલીસ દ્વારા કામગીરી આટોપવામાં આવી હતી. દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓ સ્વચ્છતા જાળવે તે માટે ગ્રામ પંચાયત દ્વારા કચરા પેટી મૂકી પ્રવાસીઓને ગંદકી ન કરવા માટે સૂચનો કરાયા હતા.