Site icon Revoi.in

વેપારીઓને 30 જૂન સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત પણ પૂરતો જથ્થો નથીઃ વેપારીઓ ચિંતિત

Social Share

અમદાવાદઃ  રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ વધે નહીં તે માટે સુપરસ્પ્રેડરની કેટગરીમાં આવતા વેપારીઓ, ફેરિયા, નોકરિયાત અને શ્રમિક વર્ગને 30 જૂન સુધી ફરજિયાત વેક્સિન લેવા માટે સૂચના આપી છે. તેવામાં કોઈ વેપારી કે તેના સ્ટાફે વેક્સિન લીધી નહીં હોય તો તેને વેપાર કરવાની મંજૂરી નહીં મળે, સાથે તેને દુકાન બંધ જ રાખવી પડશે. આની સામે વેક્સિનનો જથ્થો ન હોવાથી હજુ તમામ વેપારીઓને વેક્સિન મળી નથી. તેથી તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સને રજૂઆત કરી છે અને સરકાર સમક્ષ માંગણી કરી છે તેમને આ ફરજિયાત વેક્સિનેશનમાં 1 મહિના સુધી રાહત મળે તે માટે સરકાર સમક્ષ માંગણી કરી છે.

વેપારીઓના વિવિધ મંડળોના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે વેક્સિનેશન માટે ગાઈડલાઇન બહાર પાડી છે. જેમાં વેપારીઓ અને સ્ટાફ અને ફેરિયાઓને ફરજિયાત વેક્સિનેશન માટે સૂચના આપી છે. સાથે વેક્સિનેશન કોઈ વેપારી કે તેના સ્ટાફે નહીં કર્યું હોય તો તે દુકાન ખોલીને વેપાર કરી શકશે નહીં. પરંતુ સરકારે જે રોજના 1 લાખના વેક્સિનના ડોઝ માટેની જાહેરાત કરી હતી. તેની સામે તેટલો વેક્સિનનો જથ્થો મળતો નથી. એટલે લોકોને વેક્સિન મળતી નથી. અમારી માગ એ છે કે સરકાર કોઈ આવો નિર્ણય લે એની પહેલા વ્યવસ્થાની ચકાસણી બરાબર કરવી જોઈએ. અમે પહેલા પણ વેક્સિનેશન કેમ્પ કર્યા હતા. પરંતુ હવે વેક્સિનનો જથ્થો ન હોવાથી 30 જૂન સુધી વેક્સિનેશન શક્ય નથી. અમારી ચેમ્બર અને સરકારને રજૂઆત છે કે 1 મહિનાની સમયમર્યાદા વધારી આ ફરજિયાત વેક્સિનેશનમાંથી રાહત આપવી જોઈએ.

પાંચકૂવા કાપડ મહાજનના એક વેપારીએ જણાવ્યું હતું કે, હું સરકારના તમામ નિર્ણયોને આવકારું છું અને આ વેક્સિનેશન અમારા માટે કેટલું જરૂરી છે, એ હું જાણું છું. પરંતુ વેક્સિનની જથ્થો પૂરતો હોય તો લોકોને વેક્સિન મળે ને. સરકાર દ્વારા વેક્સિનેશન સેન્ટરો પર પૂરતો જથ્થો આપવામાં નથી આવતો અથવા તેમની પાસે વેક્સિનની અછત છે. અમે વેક્સિન લેવા તૈયાર છે. અમારી માંગ એ છે કે આ ફરજિયાત વેક્સિનેશનમાંથી અમને થોડા દિવસ રાહત મળે. જેથી વેક્સિનનો જથ્થો આવી જાય અને તમામ લોકો બે વેક્સિન મળી રહે.

રાજ્યમાં કોરોનાનો કહેર ઘટી રહ્યો છે. ઘણા દિવસથી રાજ્યમાં કોરોનાના કેસ પણ ઓછા નોંધાઇ રહ્યા છે. જેને લઈને હવે સરકારે પણ ઘણા પ્રતિબંધમાંથી રાહત આપી છે. સાથે ત્રીજી વેવને પહોંચી વળવા માટે સરકારે વેક્સિનેશન પર ભાર મૂક્યો છે. 21 જૂનથી વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં તમામ લોકોને સ્પોર્ટ રજિસ્ટ્રેશન પર વેક્સિન આપવામાં આવી રહી છે. રાજ્યમાં 1000થી વધુ વેક્સિનેશન સેન્ટર કાર્યરત છે. પરંતુ 2 દિવસથી વેક્સિનનો જથ્થો ખૂટી પડ્યો છે. જેથી લોકોને વેક્સિન મળતી નથી. લોકો એક સેન્ટરથી બીજા સેન્ટર ધક્કા ખાતા નજરે પડ્યા હતા.