Site icon Revoi.in

10 રૂપિયાના સિક્કા ચલણમાં હોવા છતાં વેપારીઓ સ્વીકારતા નથી, ગ્રાહકોને પડતી પરેશાની

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં મોટા ભાગના શહેરોમાં નાના ફેરિયાથી માંડીને વેપારીઓ પણ રૂપિયા 10ના સિક્કા લેવાની ના પાડી દે છે. 10ની સિક્કા ચલણમાં હોવા છતાં વેપારીઓ સ્વીકારતા નથી. કારણ કે લોકોમાં પણ મોટી ગેરસમજ ચાલી રહી છે કે, 10ના સિક્કા ચલણમાં રહ્યા નથી. એટલે 10ના સિક્કા વેપારીઓ સ્વીકારતા નથી અને વેપારીઓ આપે તો ગ્રાહકો પણ 10ના સિક્કા લેતા નથી. ત્યારે લોકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભાવનગરની બજારોમાં વેપારી અને પાન – ગલ્લાની લારીઓ વાળાએ એકાએક દસના સિક્કા લેવાનું બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. આ અગાઉ પાંચની નોટ માટે પણ આવો બિનસતાવાર પ્રતિબંધ આવ્યો હતો અને આજે પણ કોઈની પાંચની નોટ સ્વીકારતુ નથી  ભાવનગરની બજારોમાં દસના ચલણી સિક્કા લઈ કોઈ ગ્રાહક જાય તો 10નો સિક્કો કોઈ લેતુ નથી. આ અંગે શાકમાર્કેટના વેપારીને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે,  કોઈ ગ્રાહક જ 10નો સિક્કો લેતુ નથી અને બેંકવાળા પણ 10ના સિક્કા લઈ જઈએ તો હેરાન કરે છે એટલે અમારે ન છુટકે 10નો સિક્કો લેવાની ના પાડીએ છીએ. શહેરના એક વકીલના જણાવ્યા મુજબ ભારતી ચલણ પછી તે 5ની નોટ હોય કે 10 સિક્કો હોય તે લેવાની કોઈ ના પાડે તો કાયદા મુજબ તે ગુનો છે, અને ફરિયાદ થાય તો કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે. આ અગાઉ રૂા.5ની નોટ વેપારીઓ લેવાનુ બંધ કરતા હવે ધીરેધીરે પાંચની નોટ બજારમાંથી અદ્રશ્ય થઈ ગઈ છે. રૂા. એક, બે કે પાંચના સિક્કા બજારમાં છુટથી ફરે છે ત્યારે દસનો સિક્કો જ કેમ નથી ચાલતો તે એક રહસ્ય છે. ભાવનગર શહેરમાં બહારગામથી આવનારા લોકો માટે આ દસના સિક્કા ચાલતા ન હોય ત્યારે ભારે પરેશાનીનો ભોગ બનવુ પડે છે જ્યારે ભાવનગરથી બહાર જાય ત્યારે આવા સિક્કા ચાલી જાય છે.