Site icon Revoi.in

વડોદરામાં સ્કુલવર્ધીના વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 33 વાહનોને ડીટેઈન કરાયા

Social Share

વડોદરાઃ શહેરમાં સ્કુલવર્ધીના વાહનચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી તેમજ સ્કુલવાનમાં નિયત સંખ્યા કરતા વધુ બાળકોને બેસાડવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં નિયત સંખ્યા કરતા સ્કુલવાન અને રિક્ષાઓમાં વધુ બાળકો બેસાડ્યા હોય એવા 33 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસની ડ્રાઈવથી સ્કૂલવાન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

વડોદરા શહેરમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા માટે તેમના વાલીઓ દ્વારા રિક્ષા કે વાનની વ્યવસ્થા કરતા હોય છે. પરંતુ વાન અને રિક્ષાના ચાલકો દ્વારા વાહનોમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને ઘેટાં બકરાંની જેમ બેસાડી વર્ધી મારતા હોય છે. ત્યારે હરણી લેક જેવી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય માટે ટ્રાફિક પોલીસે વિવિધ ટીમો બનાવી એક ડ્રાઇવ યોજી હતી. જેમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસાડ્યા હોય તેવા 33 વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરી તેના ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વર્ધી વાહનોમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડીને જતાં 33 જેટલા વાહનો ડિટેઇન કરતા સ્કૂલ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ત્યારે ટ્રાફિક નિયમનો અને બાળકોના હિતમાં ટ્રાફિક પોલીસે શરૂ કરેલી ઝુંબેશ ચાલુ રાખશે, હવે  સ્કૂલ વર્ધી વાહન ચાલકો માટે ભાડૂં વધારવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહેશે નહિં. જો વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરશે તો વાલીઓને પોતાના બાળકોને સ્કૂલ વર્ધી વાહનોમાં મોકલવા માટે વધુ ભાડૂં ચૂકવવા તૈયાર રહેવું પડશે.

ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે,  શહેરમાં આવેલી વિવિધ સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકોને ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે લઈ જવા માટે રિક્ષા, વાન અને ઇકો સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ વાહનોના ચાલકો દ્વારા વધુ રૂપિયા કમાઈ લેવાની લાલચમાં રિક્ષામાં અને વાનમાં ક્ષમતા કરતાં વધારે વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોય છે. ત્યારે ફરી વાર વડોદરા શહેરમાં હરણી બોટ કાંડ જેવી દુર્ઘટનાનું સ્કૂલની વર્ધી મારતા વાહનો દ્વારા પુનરાવર્તન ના થાય તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા આવા વાહનના ચાલકો સામે લાલ આંખ કરી છે. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાંથી ટ્રાફિક પોલીસની 10 થી 12 ટીમો દ્વારા ઘેટાં બકરાની જેમ વિદ્યાર્થીઓ ભરતા વાહન ચાલકો સામે એક ડ્રાઈવ શરૂ કરાઇ હતી. જેમાં સ્કૂલ વર્ધી મારતા રિક્ષા અને વાન સહિત 33 જેટલા વાહનો ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઇન કરાયા હતા.