Site icon Revoi.in

ક્યાંક બરફના ટૂકડા માટે તો ક્યાંક ટોયલેટ ફ્લશ માટે આપવો પડે છે ટેક્સ, વાંચો દુનિયાના અજીબોગરીબ ટેક્સ વિશે

Social Share

વિશ્વના દરેક દેશના નાગરિકો પોતાની આવક પ્રમાણે સરકારને પ્રતિવર્ષ ટેક્સની ચૂકવણી કરે છે. તે ઉપરાંત દરેક દેશની સરકાર પ્રત્યેક ચીજવસ્તુની ખરીદી અને વેચાણ પર પણ એક નિશ્વિત દરના ટેક્સની વસૂલાત કરે છે. દેશના વિકાસ માટે પ્રત્યેક નાગરિકે પોતાની ફરજના ભાગરૂપે દર વર્ષે સરકારને ટેક્સની ચૂકવણી કરવી જોઇએ. જો કે કેટલાક દેશો એવા છે જ્યાં તમે કલ્પના પણ ના કરી શકો તેવી વસ્તુઓ પર સરકાર ટેક્સની વસૂલાત કરે છે જેમાં બરફના ટૂકડાથી લઇને રમવાના પત્તા પણ સામેલ છે. આજે અમે તમને આ પ્રકારના ટેક્સ વિશે જાણકારી આપીશું.

શરીર પર ટેટૂ બનાવડાવવાનો ટેક્સ

આજકાલ લોકોમાં શરીર પર ટેટૂ બનાવડાવવાનો ટ્રેન્ડ ખૂબજ ફૂલ્યોફાલ્યો છે. પરંતું પોતાના શરીર પર ટેટૂ બનાવવા માટે પણ સરકારને ટેક્સ આપવો પડે તેવું તમને કોઇ કહે તો? જી હા, પરંતુ આ હકીકત છે. અમેરિકા અરકંસાસ રાજ્યમાં લોકોએ શરીર પર ટેટૂ બનાવડાવવા માટે 6 ટકા ટેક્સની ચૂકવણી કરવી પડે છે.

બરફના ટૂકડા પર ટેક્સ

અમેરિકામાં તો બરફ પણ મોંઘો મળે છે. કારણ કે. અમેરિકાના એરિઝોનામાં બરફના ટૂકડા ખરીદવા પર પણ સરકાર નાગરિકો પાસેથી ટેક્સની વસૂલાત કરે છે. એરિઝોનામાં નાગરિકો જો બરફના ટૂકડાની ખરીદી કરે તો ટેક્સ ચૂકવવો પડે છે પરંતુ આઇસ ક્યૂબની ખરીદી પર ટેક્સ નથી લાગતો.

કોળું ખરીદવા પર ટેક્સ

કોળું ખરીદવા પર ટેક્સ લાગતો હોય તેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય. જો કે, અમેરિકાના ન્યૂ જર્સીમાં આવું થાય છે. અહીંયા લોકોએ કોળું ખરીદવા માટે પણ ટેક્સની ચૂકવણી કરવી પડે છે.

પત્તાની ખરીદી કરો અને ટેક્સ ભરો

અમેરિકાના અલબામા રાજ્યમાં લોકોએ રમવાના પત્તા ખરીદવા કે વેચાણ માટે ટેક્સ ચૂકવવો પડે છે. ખરીદનારને પ્રત્યેક પત્તાના બોક્સ પર 10 ટકા જ્યારે વેચાણકર્તાએ 71 રૂપિયા ફીસની સાથે વાર્ષિક લાઇસન્સ માટે 213 રૂપિયા ચૂકવવા પડે છે. જો કે આ ટેક્સ 54 પત્તા કે તેથી ઓછા પત્તા ખરીદવા પર લાગૂ પડે છે.

ટોયલેટમાં ફ્લશ કરવા માટે ટેક્સ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે ટોયલેટમાં ફ્લશ કરવા માટે પણ ટેક્સ ચૂકવવો પડે છે? જો કે અમેરિકાના મેરિલેન્ડમાં આવું થાય છે. અહીંયાની સરકાર ટોયલેટ ફ્લશનો ઉપયોગ કરવા પર લોકો પાસેથી દર મહિને 355 રૂપિયાનો ટેક્સ વસૂલે છે. જો કે આ ટેક્સનો ઉપયોગ નાળાની સાફસફાઇ રાખવા માટે થાય છે.

(સંકેત)