Site icon Revoi.in

GNLUથી ગિફ્ટ સિટી સુધીના રૂટ પર મેટ્રોનો ટ્રાયલ રન, જુનના અંત સુધીમાં મેટ્રો દોડતી થશે

Social Share

ગાંધીનગરઃ ગાંધીનગરના ગિફ્ટસિટીથી મોટેરા સુધીનું મેટ્રો રેલનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલ ગાંધીનગર નેશનલ લો યુનિવર્સિટીથી ગિફ્ટસિટી સુધી ટ્રાયલરન ચાલી રહ્યો છે. ત્યારબાદ મોટેરા સુધીનો ટ્રાયલરન કરાશે, અને સેફ્ટી ઈન્સ્પેક્શન બાદ વિધિવતરીતે મેટ્રો ટ્રેનનું લોકાર્પણ કરાશે. હાલ લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી આચારસંહિતાનો અમલ રહેશે. આચારસંહિતા પૂર્ણ થયા બાદ વડાપ્રધાન કે ગૃહમંત્રી અમિત શાહનો સમય મંગાશે અને જુનના અંત સુધીમાં ગિફ્ટસિટીથી મોટેરા સુધી મેટ્રો ટ્રેન દાડતી થઈ જશે

સૂત્રોના જણાવ્યા મુજબ મેટ્રોના ફેઝ-2માં મોટેરાથી મહાત્મા મંદિર સુધીના 28 કિલોમીટરના રૂટ પર કામગીરી ચાલી રહી છે. મોટેરાથી ગાંધીનગર સેક્ટર-1 સુધીના 16 કિલોમીટરના રૂટ પર તેમજ જીએનએલયુથી પીડીપીયુ થઈ ગિફ્ટ સિટી સુધીના 5 કિલોમીટરના રૂટ પર કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે અને હાલમાં મેટ્રોનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. જરૂરી સુધારા-વધારા પછી મંજૂરી મળતા આ રૂટ પર મેટ્રો દોડતી થઈ જશે. તપોવન સર્કલ, પીડીપીયુ અને ગિફ્ટ સિટી સુધી મેટ્રોનો ટ્રાયલ રન ચાલી રહ્યો છે. 28 કિલોમીટરના સંપૂર્ણ મેટ્રો રૂટની કામગીરી વર્ષના અંત સુધીમાં પૂરી થઈ જવાની ગણતરી છે અને 2025ના પ્રારંભે જ મેટ્રો દોડી થઈ જશે. મોટેરાથી મહાત્મા મંદિર સુધીના રૂટ પર કુલ 22 સ્ટેશન તૈયાર કરાઈ રહ્યા છે. મોટેરાથી સેક્ટર-1 સુધીના 16 કિલોમીટરમાં 13 સ્ટેશન આવે છે. સેફ્ટીનું ઈન્સ્પેક્શન બાકી આગામી દિવસોમાં કમિશનર મેટ્રો રેલ સેફ્ટી દ્વારા ટ્રેક, સિગ્નલ સિસ્ટમ, કોચ તેમજ સ્ટેશનનું ઈન્સ્પેક્શન કરાશે. ઈન્સ્પેક્શન પછી મંજૂરી મળતા મેટ્રો ટ્રેન દોડવવામાં આવશે. (file photo)

Exit mobile version