Site icon Revoi.in

ટીવી એક્ટર અનુપમ શ્યામનું નિધન,  સજ્જનસિંહની ભૂમિકા નિભાવીને થયા હતા ફેમસ

Social Share

મુંબઈ: બોલિવૂડમાં તથા ટીવી સીરીયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર એક અદભૂત અભિનેતા અનુપમ શ્યામ હવે આ દુનિયામાં રહ્યા નથી. અનુપમ શ્યામએ 63 વર્ષની ઉંમરે 9 ઓગસ્ટની મોડી રાતે પોતાના જીવનના છેલ્લા શ્વાસ લીધા.

તેમણે પોતાના જીવનમાં અનેક પ્રકારના નાના મોટા રોલ ભજવ્યા છે અને લાંબો સમય તેમણે બોલિવૂડને સમર્પિત કર્યો હતો. ટીવી સિરિયલ ‘પ્રતિજ્જ્ઞા’માં ઠાકુર સજ્જન સિંહની ભૂમિકા ભજવનાર અભિનેતા અનુપમ શ્યામ લાંબા સમયથી બીમાર હતા. તેમણે ‘સ્લમડોગ મિલિયોનેર અને ‘બેન્ડિટ ક્વીન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

જાણકારી અનુસાર આ અભિનેતાને ગયા વર્ષે મુંબઈની લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અભિનેતાના પરિવારે અનુપમ શ્યામની સારવાર માટે ઉદ્યોગના લોકોને આર્થિક મદદની વિનંતી કરી હતી. મળતી માહિતી મુજબ અનુપમ શ્યામના પરિવારે આમિર ખાન અને સોનુ સૂદ પાસેથી પણ મદદ માંગી હતી. અભિનેતા મનોજ બાજપેયીએ અભિનેતાના પરિવારને એક લાખ રૂપિયાની મદદ આપી હતી. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સારવાર માટે 20 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું હતું. અભિનેતાના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું. આ કારણોસર તેમનું મૃત્યુ થયું છે. આ પહેલા પણ તે પોતાની ખરાબ તબિયતને લઈને ચર્ચામાં રહ્યો હતો. જ્યારે સારવાર માટે પૈસાની જરૂર હતી, ત્યારે તેને ઘણા કલાકારો દ્વારા અને સરકાર તરફથી પણ આર્થિક મદદ કરવામાં આવી હતી.

અનુપમ છેલ્લા વર્ષથી ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા. કિડનીના ચેપને કારણે અનુપમ શ્યામ ઓઝાની હાલત ગંભીર હતી. તબિયતમાં થોડો સુધારો થયા બાદ તેઓ પ્રતિજ્ઞા સીઝન 2 સાથે ટીવી પર પાછા ફર્યા. અનુપમ પ્રતિજ્ઞા સીઝન 1 માં સજ્જન સિંહની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

Exit mobile version