Site icon Revoi.in

ઊનાના ઉમરેજ ગામે ભારે પવનથી ડરીને ભાગેલા બે સિંહબાળ કૂવામાં ખાબક્યા, વનકર્મીઓએ બચાવ્યા

Social Share

અમદાવાદઃ વાવાઝોડાની એંધાણ આપી રહેલા ભારે પવન સાથે વરસાદથી સર્જાયેલા તોફાની વાતાવરણને પગલે ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ઉમેજ ગામ નજીકના એક ખેડૂતના ખેતરના કુવામાં બે સિંહબાળ પડ્યા હતા. વન વિભાગના અધિકારીઓ સહિત વનકર્મીઓ ઘટના સ્થળે આવી બંન્ને સિંહ બાળને સહી સલામત બહાર કાઢ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ બિપરજોય વાવાઝોડાના કારણે ડીસીએફ ધારીની સુચના મુજબ આરએફઓ જસાધાર દ્વારા જસાધાર રેન્જ હેઠળ આવતા કાર્યક્ષેત્રમા સિંહોની સલામતી માટે વનકર્મીઓની અલગ અલગ ટીમો બનાવી ઉના તાલુકાના દરીયાઈ કાંઠા વિસ્તારમા વિહરતા સિંહોના ગ્રુપ ઉપર સતત વોચ રાખવામા આવી રહી હતી. દરમિયાન ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ઉમેજ ગામના રેવન્યુ વિસ્તારમાં જોવા મળતુ સિંહોનુ ગ્રુપ જેમા ત્રણ સિંહણ, ચાર સિંહબાળ ઉમેજ ગામના ખેડૂત જોધુભાઈ ઘેલુભાઈ સોલંકીની આંબાવાડીમાં તેઓના માલઢોર વાડામાં એક પશુનું મારણ કરેલ તથા ગાયને ઈજા પહોંચાડેલી હતી. જ્યારબાદ આ ગ્રુપમાં જોવા મળતા ચાર સિંહબાળમાંથી બે સિંહબાળ ખેતરમાં આવેલ ખુલ્લા કુવામા પડી ગયા હતા.

ઘટનાની જાણ તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા સ્ટાફને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વરસતા વરસાદમા આરએફઓ જસાધાર પણ સ્થળ આવી તેઓના માર્ગદર્શન મુજબ સહી સલામત રીતે વનકર્મીઓએ તથા ટ્રેકર્સ ટીમે ભારે જહેમત ઉઠાવી બન્ને સિંહબાળોને કુવામાંથી સુરક્ષીત બહાર કાઢી સ્થળ ઉપર જ વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર આપી હતી. સિંહબાળ જેમા એક નર તથા એક માદા મળી કુલ બે બચ્ચાને મુક્ત કરી તેઓની માતા સાથે મિલન કરાવ્યું હતુ.