Site icon Revoi.in

સુરત અને રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ બે વ્યક્તિઓના મોત, આરોગ્ય વિભાગ આવ્યુ હરકતમાં

Social Share

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હાર્ટ એટેકના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવને પગલે સફાળા જાગેલા આરોગ્ય વિભાગ દ્વારા હાલ નવરાત્રિ મહોત્સવમાં ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગરબા ગ્રાઉન્ડમાં મેડિકલ સ્ટાફ તથા એમ્બ્યુલન્સની પણ વિશેષ વ્યવસ્થા ગોઠવામાં આવી છે. દરમિયાન આજે રાજ્યમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિના મોતની ઘટના સામે આવી હતી. રાજકોટ અને સુરતમાં હાર્ટ એટેકથી બે વ્યક્તિઓના મોત થયાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના આણંદપર ગામે રહેતો વિપુલ નામનો 32 વર્ષીય યુવક અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ થયું હતું. હોસ્પિટલમાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આણંદપરમાં હાર્ટએટેકથી યુવાનના મોતથી સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન સુરતના ઓલપાડના ઓરમા ગામે આવેલી કંપનીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાકેશ ગૌતમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી સહકર્મચારીઓ દ્વારા તેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર તબીબે રાકેશને તપાસતા મૃત જાહેર કર્યો હતો.. એટલું જ નહીં ડોક્ટરે મૃત્યુ પાછળનું પ્રાથમિક કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું. આ અંગેની જાણ વતનમાં યુવકના પરિવારજનોને કરવામાં આવતા પરિવારમાં માતમ છવાયો છે.

રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યાં છે. તેમજ છાતીમાં દુખાવો થાય તો શું કરવું તેને લઈને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

Exit mobile version