Site icon Revoi.in

હિંમતનગરમાં નવા બની રહેલા મકાનનો RCC બોક્સ પડતા બે શ્રમિકોના દબાઈ જતાં મોત

Social Share

હિંમતનગરઃ શહેરના પાણપુર વિસ્તારમાં રહીયાન પાર્કમાં બની રહેલા એક મકાનના એલીવેશનનું RCC બોક્સ ધાબાથી છૂટું પડતા નીચે સેન્ટીંગનું કામ કરી રહેલા બે શ્રમિકો દટાયા હતા. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરનો કાફલો દોડી આવ્યો હતો. અને દોઢ કલાકની જહેમત બાદ ક્રેન વડે RCC બોક્સ ઉંચા કરીને બંને શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ બનાવમાં  હિંમતનગર ગ્રામ્ય પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હિંમતનગર ફાયરબ્રિગેડના સૂત્રોમાંથી આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે,  હિંમતનગરના પાણપુર ગામે તળાવ નજીક રહીયાન સોસાયટીમાં હિફજુરભાઈ અબ્દુલભાઈ રેવાસિયાનું નવું મકાન બની રહ્યું છે, જ્યાં રવિવારે સાંજના સમયે મકાનના એલીવેશન માટે પરબડાના રાજુભાઈ ભીખાભાઈ પરમાર (ઉં.વ.38) અને સંજયભાઈ સુથાર (ઉં.વ.48) સેન્ટીંગની કામગીરી કરતા હતા. તે દરમિયાન એલીવેશન માટે અંદાજે 12 ફૂટ કરતા લાંબુ RCC બોક્ષ બનાવેલું છે. જે અચાનક ધાબાથી છૂટું પડીને આગળની તરફ કામ કરતા શ્રમિકો પર પડ્યું હતું અને બંને શ્રમિકો દટાયા હતા. જેને લઈને બૂમાબૂમ થઇ ગઈ હતી. ઘટનાને લઈને તાત્કાલિક હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. દરમિયાન ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી. ક્રેન વડે દોઢ કલાકની જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.