Site icon Revoi.in

ઉકાઈ ડેમઃ સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી ઉપલબ્ધ

Social Share

સુરતઃ ઉકાઇ ડેમ દ્વારા સિંચાઇ, જળ-વિદ્યુત ઉત્પાદન, મત્સ્ય ઉછેર, પીવાના પાણીની ઉપલબ્ધિ, ઔધોગિક એકમોમા પાણીની જરૂરિયાત પુરી કરવામાં આવે છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદી ઉપર સોનગઢ તાલુકામાં ઉકાઇ ડેમ વર્ષ ૧૯૭૨માં બનાવવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. જે તેની જળ સપાટીની સંપૂર્ણ ક્ષમતાએ પહોચ્યો છે. આ બાબતે ઉકાઇ ડેમ પરના કાર્યપાલક ઇજનેર અધિકારી પી.જી.વસાવાએ જણાવ્યું હતું કે,  ઉકાઇ ડેમ સંપૂર્ણ ક્ષમતા એટલે કે 345 ફુટે પહોચ્યો છે. ઉકાઇ  ડેમ 2019 થી સતત પાંચમા વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. આ જળાશય થકી સુરત, નવસારી, વલસાડ, તાપી અને ભરૂચ  જિલ્લાઓને પાણીનો લાભ સમગ્ર વર્ષ માટે મળશે. તાપી જિલ્લાની આખા વર્ષની જરૂરિયાત 4500 મિલિયન ઘન મીટર છે. હાલ અહિ કુલ સંગ્રહ 7414 મિલિયન ઘન મીટર છે. એટલે સિંચાઈ, પીવા માટે અને ઉદ્યોગ માટે  દોઢ વર્ષથી વધારે ચાલે એટલું પાણી છે.

કાર્યપાલક ઇજનેર અધિકારી વસાવાએ વધુમાં ઉમેર્યું કે,  સામાન્ય રીતે ચોમાસુ બેસતા ડેમમાં જેટલી પાણીની આવક થાય જેને નક્કિ કરેલા રૂલ લેવલ પ્રમાણે પાણી ભરવામાં આવે છે. જેમ કે, 1લી જુલાઇ સુધી 321 ફુટ પાણી ભરી દેવામાં આવે છે. 1 ઓગસ્ટ સુધી 333 ફુટ, 1લી સપ્ટેમ્બર સુધી 335 ફુટ સુધી, 16 સપ્ટેમ્બર સુધી 340 ફુટ અને 1લી ઓક્ટોબર સુધી 345 ફુટ  ભરાવવા દેવામાં આવે છે. ડેમની છેલ્લા પાંચ વર્ષની આંકડાકિય વિગત ઉપર નજર કરીએ તો, વર્ષ-2019 ન્યુનતમ જળ સપાટી-275.68 ફુટ, મહત્તમ જળ સપાટી – 345.04 ફુટ, કુલ સંગ્રહ  જથ્થો 7419.85 મિલિયન ઘન મીટર, વર્ષ- 2020 ન્યુનતમ જળ સપાટી- 317.60 ફુટ, મહત્તમ જળ સપાટી – 345 ફુટ, કુલ સંગ્રહ  જથ્થો 7414.29 મિલિયન ઘન મીટર, વર્ષ- 2021 ન્યુનતમ જળ સપાટી-312.68 ફુટ, મહત્તમ જળ સપાટી – 345.52 ફુટ, કુલ સંગ્રહ  જથ્થો 7486.52 મિલિયન ઘન મીટર, વર્ષ- 2022 ન્યુનતમ જળ સપાટી- 315.34 ફુટ, મહત્તમ જળ સપાટી – 345.35 ફુટ, કુલ સંગ્રહ  જથ્થો 7462.91 મિલિયન ઘન મીટર અને ચાલુ વર્ષે – 2023 ન્યુનતમ જળ સપાટી- 308.22 ફુટ, મહત્તમ જળ સપાટી – 345.01 ફુટ, કુલ સંગ્રહ  જથ્થો 7415.68 મિલિયન ઘન મીટર જળ સપાટી નોંધવામાં આવી છે. આમ, ઉકાઇ  ડેમ વર્ષ 2019 થી આજ સુધી સતત પાંચ વર્ષે સંપૂર્ણ સપાટીએ ભરાયો છે. જેના કારણે સમગ્ર દક્ષિણ ગુજરાત પાણીદાર બન્યો છે.

ખેડૂતોને સિંચાઇ માટે અને મ્ત્સ્યપાલન માટે સારી તક આ જળાશયના કારણે મળી રહે છે. જેના કારણે તાપી જિલ્લાના નાગરિકો પાણીની ચિંતાથી મુક્ત થયા છે. હાલ પણ ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટી કુલ 345 ફુટ છે. અને 5937 ક્યુસેક પાણીની આવક સામે 5937 ક્યુસેક પાણી નહેર અને હાઇડ્રો દ્વારા છોડવામાં આવી રહ્યું છે. ડેમ સંપૂર્ણ સપાટીએ પહોચતા ખેડૂતોમાં આનંદની લહેર છવાઇ ગઇ છે. વધુમાં છલોછલ ભરેલો ડેમ જોવું એક લાહ્વો છે જેને માણવા સમગ્ર દક્ષિણ ગુજરાતથી લોકો આ જળાશયને જોવા ઉમટી રહ્યા છે.

નોંધનિય છે કે, ગુજરાતની મોટી નદીઓ પૈકી તાપી નદીના વિશાળ જળરાશીને દરિયામાં વહી જતું અટકાવીને આ ઉકાઈ યોજના બહુહેતુક યોજના રૂપે ઉકાઇ ડેમનું નિર્માણ કરાયું છે. સિંચાઇ, જળ વીજ ઉત્પાદન, મત્સ્ય ઉત્પાદન, અંશતઃ પુર નિયંત્રણ સિંચાઈ યોજના છે. જેમાં સમગ્ર ગુજરાતની સિંચાઈ યોજનાઓમાં સંગ્રહ થતાં પાણીનાં જથ્થાનાં 46 ટકા પાણીનો જથ્થો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાનાં જળાશયમાં કુલ 7414 મી. ઘન મીટર પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. ઉકાઈ યોજનાના પાણીનો ઉપયોગ સુરત, વલસાડ, નવસારી તેમજ ભરૂચ જીલ્લાની કુલ 3.79 લાખ હેકટર જમીનમાં સિંચાઈ માટે, ઔધોગિક એકમોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા, પીવાના પાણી તરીકે ઉપરાંત 850 મેગાવોટ વિજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા થર્મલ પાવર સ્ટેશનની કુલીંગ સીસ્ટમ માટે કરવામાં આવે છે.

ઉકાઈ બંધની કુલ લંબાઈ 4926.83 મીટર છે. જે પૈકી 868.83 મી. ચણતર  બંધ તેમજ 4058 મી. લંબાઈનો માટીયાર બંધ છે. જે સમગ્ર એશિયામાં સૌથી લાંબો માટીયાર બંધ છે. તાપી નદીમાં આવતા પૂરને નાથવા માટે ઉકાઈ ડેમમાં 51 X 48.8 ફૂટ માપના કુલ 22 દરવાજાઓ મુકવામાં આવેલ છે. દરેક દરવાજામાંથી મહત્તમ જળ સપાટીએ (345 ફૂટ) 51141 ઘન ફૂટ પ્રતિ સેકન્ડનો પ્રવાહ પસાર કરી શકાય છે. કુલ-436 માઈલ જેટલી લંબાઈ ધરાવતી સૂર્યપુત્રી તાપીમાતા આશરે 1000 વર્ષ પહેલા મધ્યપ્રદેશના સાતપુડા પર્વતમાં બેતુલ જિલ્લાના મુલ્તાઈ માલપ્રદેશમાં અષાઢ સુદ સાતમના દિવસે પ્રગટ્યા હતા.  દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના જળનો સંગ્રહ ઉકાઈ ડેમમાં થતા તાપી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની ધરતી નવપલ્લવિત થઈ છે.