Site icon Revoi.in

PM મોદીના માર્ગદર્શનમાં ગુજરાત માઇસ ઇન્ડસ્ટ્રી માટે બેસ્ટ ચોઇસના રૂપમાં સ્થાપિત થયું છેઃ CM

Social Share

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024ના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે આયોજિત 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવ-2023નો પ્રારંભ કરાવતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 2003થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટની સફળતાએ વિશ્વકક્ષાના આયોજનો સુપેરે પાર પાડવાની ગુજરાતની ક્ષમતા ઉજાગર કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત હવે વર્લ્ડ વાઇડ માઇસ ડેસ્ટિનેશનના રૂપમાં તૈયાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં માઇસ ઇન્ડસ્ટ્રી માટે બેસ્ટ ચોઈસ બનવા સજ્જ છે. આ 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવનું ત્રિ-દિવસીય આયોજન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના ઇન્ડિયા કન્વેન્શન્‍સ પ્રમોશન બ્યુરોના સહયોગથી કર્યું છે. આ કોન્‍ક્લેવમાં ડેલિગેટ્સ, એક્ઝિબિટર્સ અને બાયર્સ મળી 400થી વધુ લોકો સહભાગી થઈને B2B મીટિંગ્સ અને કોન્ફરન્સ કરવાના છે.

મુખ્યમંત્રીએ પ્રવાસન ક્ષેત્રમાં 40 ટકાથી વધુ આવક માઇસ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્ર પર વ્યાપક લાભદાય અસરો વગેરે માટે આ ઇન્ડસ્ટ્રીમાં મોટો અવકાશ રહેલો છે અને તેના પર ધ્યાન આપવું પણ આવશ્યક છે. તેમણે વડાપ્રધાનના માર્ગદર્શન અને નેતૃત્વમાં ભારતે G20 ની પ્રેસિડેન્સી કરી તેમાં ગુજરાતે 17 જેટલા ઇવેન્ટ્સના આયોજન સફળતાથી પૂર્ણ કર્યા તેની પણ ભૂમિકા આપી હતી.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં એડવેન્‍ચર ટુરીઝમ, હેરિટેજ ટુરીઝમ, રિલીજિયસ ટુરીઝમ ફૂલ્યા ફાલ્યા છે અને હવે કોન્ફરન્સ ટુરીઝમ તરફ ગુજરાત આગળ વધ્યું છે. મહાત્મા મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને ટેન્‍ટ સિટી વગેરે સ્થળો પ્રવાસન સાથે નેશનલ અને ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સના આયોજન માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન બન્યા છે.

આ કોન્‍ક્લેવ ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સંકલ્પને સાકાર કરવા માટે સસ્ટેઇનેબલ માઇસ એમ્પાવરીંગની થીમ સાથે યોજાઇ રહી છે તે વિકસિત ભારત@૨૦૪૭માં નવું બળ પૂરું પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો. ગુજરાતમાં માઇસ ઇન્ડસ્ટ્રીઝને નવી ગતિ અને દિશા આપવા આ કોન્‍ક્લેવ દરમિયાન વિવિધ MoU પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી  મૂળુભાઇ બેરાએ કહ્યું કે, વિશ્વના પ્રવાસીઓ માટે ગુજરાત હોટ ફેવરિટ ડેસ્ટીનેશન બન્યું છે. ગુજરાતમાં હેરિટેજ સ્થળો, પ્રાગઐતિહાસિક વિરાસતો, તીર્થસ્થાનો, યાત્રાધામો અને સફેદ રણ જેવા વિવિધ કુદરતી સૌંદર્ય સ્થળોનો ખજાનો રહેલો છે. ઉપરાંત, ગુજરાતના પર્વતો, જંગલો, દરિયાકિનારા અને રણ પ્રદેશ પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા છે.

Exit mobile version