Site icon Revoi.in

યાત્રાધામ સોમનાથ મહાદેવના 151 ફૂટ ઉંચા શિખર પર ધ્વજારોહણ માટે અનોખી સિસ્ટમ કાર્યરત કરાઈ

Social Share

વેરાવળ : બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરના 151 ફૂટ ઉંચા ગગનચુંબી શિખર પર લહેરાતી 52 ગજની ધ્વજા ભાવિકો સ્વહસ્તે ચડાવી શકે તેવી સીસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. ધ્વજા ચડાવવાની નવી વ્યવસ્થાના દાતા ખોડલધામ સંસ્થાના અધ્યક્ષ નરેશ પટેલે સહપરિવાર સોમનાથ ખાતે આવી નવી વ્યવસ્થાનો શુભારંભ કરાવી તેમના સ્વહસ્તે પ્રથમ ધ્વજારોહણ કર્યું હતું.

ખોડલધામ મંદિર ખાતે ધ્વજા ચડાવવા માટેની કાર્યરત સીસ્ટમ સોમનાથ મંદિર ખાતે ફીટ કરી કાર્યરત કરાવી આપવા ખોડલધામના અધ્યક્ષ નરેશ પટેલે ઇચ્છા વ્યકત કરી હતી. જેને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણ લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ આવકારી સહમતિ આપી હતી.જેથી ત્રણેક માસ અગાઉ સોમનાથ મંદિર ખાતે સીસ્ટમ  ફીટ કરવા માટે સર્વે થયો હતો. બાદમાં સીસ્ટમ ફીટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી. જે તાજેતરમાં પૂર્ણ થતા ટેસ્ટીંગ પણ કરવામાં આવેલ હતુ. જે સફળ રહેતા વિધિવત રીતે સોમનાથ મંદિરે આવતા ભાવિકો માટે નવી સીસ્ટમ કાર્યરત કરવાનું નક્કી કરાયું હતુ. ધ્વજા ચડાવવાની નવી સીસ્ટમને ભાવિકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સીસ્ટમ અંગે ઇન્ચાર્જ જીએમ અજય દુબેએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરના 151 ફૂટ ઉંચા શિખર પર ધ્વજા ચડાવવા માટે શિવ ભકતો મંદિરની બહાર જમીન ઉપર ઊભા રહી દોરી પકડી રાખી તેના થકી શિખર ઉપર ધ્વજા સ્વહસ્તે ચડાવી શકશે. આ યાંત્રિક સીસ્ટમથી શિખર પરથી અગાઉની ફરકી રહેલ ધ્વજા ફરી નીચે મંદિર પરિસરમાં આવી જશે. આ નવી સીસ્ટમ ફીટ કરી કાર્યરત કરવા પાછળ ત્રણ લાખનો ખર્ચ થયો છે. જે તમામ ખર્ચ ખોડલધામના નરેશ પટેલે દાન સ્વરૂપે આપેલ છે.