અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના બે મહિના દરમિયાન કેટલાક વિસ્તારોમાં સમયાંતરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. હવે વૈશાખ મહિનામાં ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. આજે સોમવારે સવારે દ્વારકામાં અડધો ઈંચ વરસાદ પડતા શેરીઓમાં નદીની પાણી વહેવા લાગ્યા હતા. જ્યારે નવસારીમાં પણ વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત બપોર સુધીમાં વલસાડના ઉંમરગામ, રાજકોટ, ઉપલેટા. અમરેલીના ધારી, સાવરકુંડલા, કચ્છના માંડવી, નવસારીના ખેરગામમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. દરમિયાન હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ આજથી પાંચ દિવસ એટલે કે પાંચમી મે સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ગુંદા તેમજ આસપાસના ગામે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. ગુંદા ગામે ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ગામની મુખ્ય બજારોમાં પાણી વહેતા થયા હતા. ગુંદા આસપાસ વિસ્તારમાં વાતાવરણમાં પલ્ટા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત આજે સોમવારે વલસાડના ઉંમરગામ, રાજકોટ, ઉપલેટા. અમરેલીના ધારી, સાવરકુંડલા, કચ્છના માંડવી, નવસારીના ખેરગામમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા હતા. રવિવારે રાજ્યના 51 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં તાપીના વાલોડમાં સૌથી વધુ 1 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે સુરત અને પાટણ વિસ્તારમાં અડધો અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. અમરેલી જિલ્લામાં રવિવારે પણ વરસાદ પડ્યો હતો.
ભર ઉનાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઇકલોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છમાં સતત પાંચમાં દિવસે વરસાદ નોંધાયો હતો. ગઈકાલે રવિવારે અમરેલી, રાજુલા, બાબરીધાર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.. જેને લઇને બાબરીયાધારની ઘીયળ નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેમાં એક ટ્રક તણાઇ આવતા જી.આર.ડી જવાનોએ રેસ્ક્યૂ કરીને પાંચ લોકોનો જીવ બચાવ્યો હતો.