Site icon Revoi.in

જસદણ પંથકમાં માવઠાએ દાટ વાળ્યો, ઘઉં સહિતના પાકને નુકસાન થતાં ખેડુતોની દયનીય સ્થિતિ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં ફાગણની વિદાય અને ચૈત્રના આગમન ટાણે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થતાં ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે. જસદણ પંથકમાં  રવિવારે સાંજે અડધાથી દોઢ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો. તેથી ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતું. કપાસ, જીરૂ, ઇસબગુલ સહિતના ઊભા પાકનો સોથ વાળી દીધો છે.

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં  ફાગણ મહિનાના અંતમાં જ કમોસમી વરસાદે પથારી ફેરવી છે. જેમાં જસદણ તાલુકામાં રવિ પાક તૈયાર થઈ ગયો છે અને ખેડૂતો  લણી રહ્યા છે. ત્યારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઘઉં, સૂર્યમુખીના પાકનો સોથ વળી ગયો હતો. કમોસમી વરસાદથી ખેડુતોએ  જણાવ્યું હતું કે, સરકાર સહાય કરે તો સારું, બાકી આમાં ખેડૂત બિચારો કાંઈ કરી શકે તેમ નથી. રવિવારે જસદણ, આટકોટ, જંગવડ, વીરનગર, પાંચવડા, જીવાપર, સાણથલી, શિવરાજપુર, લીલાપુર સહિતના ગામોમાં મીની વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં ઉભા પાકને ભારે વરસાદથી નુકસાન પહોંચ્યું હતુ. કપાસ, જીરૂ, ઇસબગુલના ઉભા પાકનો સોથ વાળી દીધો છે.

જસદણ તાલુકાના ખેડુતોના કહેવા મુજબ  આ વિસ્તારમાં થોડા દિવસ પહેલા માવઠું પડ્યું હતું,  ત્યારબાદ રવિવારે વાતાવરણમાં પલટો આવ્યા બાદ ફરી માવઠું પડ્યું છે. ખેતીપાકને સારૂએવું નુકશાન થયું છે.  થોડા દિવસ પહેલા પડેવા માવઠા બાદ સરકાર તરફથી કૃષિપાક નુકશાનીનો સર્વે કરવા અધિકારીઓ  આવ્યા હતા. પરંતુ એનો અત્યાર સુધીમાં કોઈ મેસેજ કે જાણ કરવામાં આવી નથી. હજી પણ વરસાદની આગાહી છે.

જસદણના વિછિંયાના એક ખેડુતે જણાવ્યું હતું કે,  મેં ચાર વીઘામાં  ઘઉંનું વાવેતર કર્યું હતું. આ બીજું માવઠું પડ્યું અને બીજીવાર વાઢેલા ઘઉંના પૂળા પલળી ગયા છે. આથી ઘઉંમાં પાણી ચડી જતા ઘૂઘરી થઈ ગયા છે. ઘઉંના પાળા પર ચાર વીઘામાં સૂર્યમુખીનું પણ વાવેતર કર્યું હતું અને તેનો પણ સોથ વળી ગયો છે. વરસાદ વરસ્યો એ પહેલા જ થ્રેસર આવવાનું હતું પણ વરસાદ વરસતા ઘઉંનો બધો પાક પલળી ગયો છે. સરકાર આમાં કાંઈક સહાય કરે તેવી અપેક્ષા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, જેતપુરમાં પણ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આથી જેતપુર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલા ઘઉં, ધાણા, મરચા સહિતના પાકો પલળી ગયા હતા. ઘઉં અને ધાણાના પાકમાં સામાન્ય નુકસાન છે જ્યારે મરચાની ભારીઓ પલળી જતા વધુ નુકસાન પહોંચ્યું છે. હવામાન વિભાગની આગાહી હોવા છતાં પણ યાર્ડ દ્વારા ખુલ્લા મેદાનમાં મરચાનો પાક ઉતારવા જણાવ્યું હતું.