Site icon Revoi.in

ભર ઉનાળે ગીર પંથક, અમરેલી અને કચ્છ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડુતો ચિંતિત

Social Share

અમદાવાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં શનિવારે ભર ઉનાળે માવઠું પડતા વાતાવરણાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે 13મી, 14મી અને 15મી એપ્રિલ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. ત્યારે શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે કેરી સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

રાજ્યના હવામાન વિભાગે શનિવારથી સોમવાર દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારમાં માવઠાની આગાહી કરી હતી. દરમિયાન શનિવારે બપોર પછી સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. રાજકોટના ગ્રામ્ય પંથક, અમરેલી અને ગીર પંથક તેમજ કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર, ભચાઉ, મુન્દ્રામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ભરઉનાળે પડેલા માવઠાથી  કેરી, મગ, તલ સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ ખેડૂતો વક્ત કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં શનિવારે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી અમરેલી અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં માવઠું પડ્યાના વાવડ મળ્યા છે. અમરેલી, ધારી અને ગીરના પાતળા, તરશિંગડા, રાજસ્થળી, ગઢીયા અને ચાવંડ સહિતના આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો.  તેમજ કચ્છના ભુજ ,રાપર  અને અંજાર તાલુકામાં પણ વરસાદી માહોલ છવાયો છે. જ્યારે લોડાઈ, ખેંગારપર, મોખાણા, નાડાપા સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં માવઠાની આગાહી વચ્ચે હવામાનમાં પલટો જોવા મળ્યો હતો. ગોંડલ શહેર અને પંથકમાં અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.પંથકમાં છુટા છવાયા છાંટા અને વરસાદ પડતા માવઠાની દહેશત વચ્ચે ઉનાળું પાકમાં તલી, બાજરી, મગ, અડદ, મગફળી, ડુંગળી, ટેટી, તરબૂચ સહિતના પાકોને નુકસાનની શક્યતા વર્તાઇ રહી છે.

હવામાન વિભાગની આગાહી કરી છે. કે, આગામી 48 કલાક ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે,  આજે 14 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ વરસી શકે છે.