વોશિંગ્ટનમાં થયેલા ગોળીકાંડ બાદ અમેરિકાના ટ્રમ્પ પ્રશાસને આ વર્ષે વિવિધ શ્રેણીઓમાં 85,000 વિઝા રદ્દ કર્યા છે. એક વરિષ્ઠ સ્ટેટ ડિપાર્ટમેન્ટ અધિકારીએ જણાવ્યું કે આ પગલું અમેરિકન સમુદાયોની સુરક્ષા અને જાહેર સુરક્ષાના ધોરણોને લાગુ કરવા માટે લેવામાં આવ્યું છે.
વિદેશ વિભાગના એક અધિકારીએ માહિતી આપતા કહ્યું હતું કે, “અમે તમામ શ્રેણીઓના 85,000 વિઝા રદ્દ કર્યા છે, જેમાં 8,000થી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષની સરખામણીમાં બમણાથી પણ વધુ છે.”
નામ ન છાપવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે, “અમેરિકન લોકો પર હુમલા, ચોરી અને અન્ય ઘણા ગુનાઓમાં બાહ્ય લોકોની સંડોવણી સામે આવ્યા બાદ વિઝા રદ્દ કરવામાં આવ્યા છે. આ એવા લોકો છે જે આપણા સમુદાયોની સુરક્ષા માટે સીધો ખતરો છે અને અમે તેમને અમારા દેશમાં રાખવા માંગતા નથી.”
અધિકારીએ વધુમાં જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસન ખાસ કરીને વધારે જોખમવાળા વિસ્તારોમાંથી આવતા અરજદારોના વિઝા તપાસમાં કડક વલણ અપનાવી રહ્યું છે. અફઘાનિસ્તાન વિશે અધિકારીએ કહ્યું, “મને લાગે છે કે ટ્રમ્પ પ્રશાસનને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી પછી સુરક્ષાને લઈને હંમેશા ચિંતા રહી છે અને તે સુનિશ્ચિત કરવા માંગે છે કે વિઝા અરજદાર દેશની સુરક્ષા માટે કોઈ ખતરો નહીં હોય.”
અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, વિઝા તપાસમાં કોઈ ઉતાવળ કરવામાં આવશે નહીં. “અમે જેટલો સમય લાગશે, તેટલો લઈશું અને જ્યાં સુધી અમને એ ખાતરી ન થઈ જાય કે અરજદાર અમેરિકાની સુરક્ષા માટે કોઈ ખતરો નથી, ત્યાં સુધી અમે વિઝા જારી નહીં કરીએ.”
વિઝા અરજીઓ રદ્દ કરવાના કારણો પૂછવા પર અધિકારીએ જણાવ્યું કે ટ્રમ્પ પ્રશાસનની તાજેતરમાં બનાવેલી નીતિઓ હેઠળ વિઝાને અસ્વીકૃત કરવાનો આધાર હોઈ શકે છે. આવા કેસોનું મૂલ્યાંકન માત્ર એક માપદંડ પર કરવામાં આવતું નથી.
અધિકારીએ ભારપૂર્વક જણાવ્યું કે, “અધિકારી ફક્ત એક પરિબળને જોતા નથી, પરંતુ વ્યક્તિની સંપૂર્ણ વિગત તપાસે છે અને પછી કોઈ નિર્ણય લે છે.” અમેરિકા 2021માં અફઘાનિસ્તાનમાંથી સૈન્ય વાપસી પછી તેની ઇમિગ્રેશન અને તપાસ પ્રક્રિયાઓને સુધારી રહ્યું છે, જે હેઠળ આ વિઝા તપાસ થઈ રહી છે.

