વોશિંગ્ટન, 15 જાન્યુઆરી 2026: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ આસિમ મુનીરે અનેકવાર અમેરિકાના ચક્કર લગાવ્યા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભોજન પણ લીધું. પાકિસ્તાન દુનિયાભરમાં એવો સંદેશ આપી રહ્યું હતું કે તે અમેરિકાનું ખાસ મિત્ર બની ગયું છે. પરંતુ, ડોનાલ્ડ ટ્રમ્પે રાતોરાત એવો નિર્ણય લીધો છે કે પાકિસ્તાન અને શહબાઝ સરકાર સ્તબ્ધ થઈ ગઈ છે. અમેરિકાએ પાકિસ્તાન સહિત 75 દેશો માટે ઈમિગ્રન્ટ વિઝા પ્રોસેસિંગ પર અનિશ્ચિતકાળ માટે રોક લગાવી દીધી છે.
અમેરિકી વિદેશ વિભાગે જાહેરાત કરી છે કે 21 જાન્યુઆરીથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને રશિયા સહિત 75 દેશોના નાગરિકોને નવા ઈમિગ્રન્ટ વિઝા આપવામાં આવશે નહીં. આ નિર્ણય અમેરિકી ઈમિગ્રેશન કાયદાના ‘પબ્લિક ચાર્જ’ જોગવાઈ હેઠળ લેવામાં આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્રનું માનવું છે કે આ દેશોમાંથી આવતા લોકો અમેરિકી સરકાર પર નાણાકીય બોજ બની શકે છે અથવા તો વિઝા મેળવવા માટે છેતરપિંડી કરી શકે છે.
ટ્રમ્પ સરકારના આ આકરા લિસ્ટમાં એશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના અનેક દેશો સામેલ છે, પરંતુ ભારતને આ પ્રતિબંધમાંથી બહાર રાખવામાં આવ્યું છે. આ નિર્ણય સાબિત કરે છે કે ટ્રમ્પ પ્રશાસનની નજરમાં ભારત એક અત્યંત ભરોસાપાત્ર અને વ્યૂહાત્મક ભાગીદાર છે. ભારતીય અધિકારીઓના મતે, આ નિર્ણયથી હેલ્થકેર, આઈટી (IT) અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકાના દ્વાર વધુ સરળતાથી ખુલ્લી શકશે.
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે, “અધિકારીઓ તેવા તમામ સંભવિત પ્રવાસીઓને અયોગ્ય ઠેરવશે જેઓ અમેરિકી લોકોની ઉદારતાનો ગેરલાભ ઉઠાવી શકે છે.” હવે વિઝા આપતા પહેલા અરજદારની તબિયત, ઉંમર, અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ અને આર્થિક સ્થિરતા જેવા પરિબળોની કડક તપાસ કરવામાં આવશે. 75 દેશોની આ યાદીમાં પાકિસ્તાન ઉપરાંત તેના મિત્ર દેશો અઝરબૈજાન અને બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. આ સિવાય રશિયા, થાઈલેન્ડ, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, કંબોડિયા, કોલંબિયા, ઈરાન, ઈરાક અને જોર્ડન જેવા દેશોના નાગરિકો માટે પણ અમેરિકાના ઈમિગ્રન્ટ વિઝા મેળવવા હવે અશક્ય બન્યા છે.

