Site icon Revoi.in

ટેરિફ વિવાદની વચ્ચે અમેરિકાનું નિવેદન, ભારતની ઈકોનોમી સુધારવા માટે કરી રહ્યા છીએ આકરી મહેનત

Social Share

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ટેરિફ વિવાદનીવચ્ચે અમેરિકાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. અમેરિકાએ કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાને ઝડપ આપવા માટે તેમનો દેશ આકરી મહેનત કરી રહ્યો છે. અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ મંગળવારે કહ્યુ છે કે ભારતને તેની અર્થવ્યવસ્થાના વિકાસનો અવસર આપવા માટે ટ્રમ્પ વહીવટી તંત્ર આકરી મહેનત કરી રહ્યું છે.

માઈક પોમ્પિયો હાલ ઈન્ડો-પેસિફિકની યાત્રા પર છે. તેમણે પત્રકારોના એક સવાલના જવાબમાં કહ્યુ છે કે અમારી ઈન્ડો-પેસિફિક રણનીતિ સારી રીતે કામ કરી રહી છે, તે માત્ર તેમના માટે નહીં, પરંતુ અમેરિકા માટે પણ લાભકારી સાબિત થશે. અમે આ ગઠબંધનોને બનતા જોયા છે. અમે ભારતની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ કરવાનો અવસર પ્રદાન કરવા માટે ભારત સરકારની સાથે આકરી મહેનત કરી રહ્યા છીએ.

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફના દરોને લઈને ચાલી રહેલા વિવાદનીવચ્ચે આ મહત્વના સમાચાર છે. મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસો પહેલા ભારતે અમેરિકાની સાથે વ્યાપારીક સંબંધોની દિશામાં એક મોટું પગલું ઉઠાવતા અમેરિકાથી આયાત કરવામાં આવતી 28 વસ્તુઓ પર ટેરિફ વધારી દીધો હતો.

આ યાદીમાં અખરોટ, બદામ સામેલ હતા. ભારતનું આ પગલું ક્રિયાની પ્રતિક્રિયા હતી. તેના પહેલા અમેરિકાએ ભારતને વ્યાપારમાં મળનારી રાહતને સમાપ્ત કરી દીધી હતી. 5મી જૂને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સાથે વ્યાપારમાં ભારતને મળનારી વિશેષ સુવિધાને સમાપ્ત કરી દીધી હતી. તેને જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સના નામથી ઓળખવામાં આવતી હતી. તેના પછી ભારતે 28 સામાનના આયાત પર ટેરિફમાં વધારો કર્યો હતો.

ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ કરવા માટે કડક મેહનત કરવાની પોમ્પિયોની આ ટીપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે કેટલાક સપ્તાહ પહેલા અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિઓનું એક ડેલિગેશન ભારતની મુલાકાતે હતું અને ટેક્સ તથા ટેરિફ જેવા દ્વિપક્ષીય વ્યાપારના મુદ્દા પર ભારત સાથે વ્યાપક વાતચીત પણ કરી હતી.

તો ભારત અને અમેરિકાનો વેપાર સતત વધી રહ્યો છે. અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ આના પહેલા કોલોરાડોમાં કહ્યુ હતુ કે 2018માં બંને દેશો વચ્ચે વ્યાપાર વધીને 142 અબજ ડોલર થઈ ગયો છે અને 2025 સુધી તેને 238 અબજ ડોલર સુધી પહોંચાડવાની આશા છે.