Site icon Revoi.in

અમેરિકાનું ચીન સામે આકરુ વલણઃ 14 કંપનીઓ કરી બ્લેક લિસ્ટ

Social Share

દિલ્હીઃ ભારતીય સરહદ ઉપર તૈનાત જવાનો ઉપર ચીનના સૈનિકોએ હુમલો કરતા ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી છે. બીજી તરફ અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી ટ્રેડ વોર ચાલી રહ્યું છે. તેમજ કોરોના માટે અમેરિકાના તત્કાલિન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને જવાબદાર ઠરાવ્યું હતું. આમ છેલ્લા કેટલાક સમયથી અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં અંતર આવ્યું છે.

દરમિયાન ચીનમાં મુસ્લિમો પર થઈ રહેલા અત્યાચારના મુદ્દે અમેરિકાએ ચીન સામે વધારે આકરુ વલણ અપનાવ્યુ છે. તેમજ બાઈડેન સરકારે ચીનની 14 કંપનીઓને બ્લેક લિસ્ટ કરી નાંખી છે. આ કંપનીઓએ ચીનમાં મુસ્લિમો પરના અત્યાચારમાં સીધી કે આડકતરી રીતે ભૂમિકા ભજવી હોવાની જાણકારી અમેરિકાને મળ્યા બાદ અમેરિકાએ આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાના વાણિજ્ય વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે કે, ચીનની શિનજિઆંગ પ્રાંતમાં મુસ્લિમ લઘુમતી પર અત્યાચાર, સામૂહિક નજરકેદ અને તેમના પર નજર રાખવામાં આ 14 કંપનીઓએ સરકારને ટેકનોલોજીકલ મદદ પૂરી પાડી છે. આ કંપનીઓ સાથે સાથે રશિયામાં મિલિટરી પ્રોગ્રામને મદદ કરે છે તેમજ ઈરાન પર મુકાયેલા વ્યાપારિક પ્રતિબંધોનુ પણ ઉલ્લંઘન કરે છે. આ 14 કંપનીઓ અમેરિકામાં પોતાનો સામાન કે બીજા વસ્તુઓ નહીં વેચી શકે.