Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ વારાણસી એરપોર્ટના ટોયલેટમાંથી સોનાના 16 બિસ્કીટ મળ્યાં

Social Share

લખનૌઃ વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટોયલેટમાંથી સોનાના એક-બે નહીં 16 જેટલા સોનાના બિસ્કીટ મળી આવતા કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. કસ્ટમ વિભાગે જપ્ત કરેલા સોનાના બિસ્કીટની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ રૂ. 1.125 કરોડ હોવાનું જાણવા મળે છે. કસ્ટમ વિભાગે સોનાના કેસમાં સંડોવાયેલા દાણચોરોને ઝડપી લેવા કવાયત આરંભી છે.

કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયાની ફ્લાઈટ IX-184 શારજાહથી વારાણસી એરપોર્ટ પર આવી હતી. કસ્ટમ્સ ટીમ દ્વારા શારજાહના મુસાફરોની તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈની પાસેથી કોઈ ગેરકાયદેસર સામગ્રી મળી ન હતી. આ પછી, જ્યારે શૌચાલયની રૂટીનમાં તપાસ કરવામાં આવી ત્યારે 1866.100 ગ્રામ વજનના 16 સોનાના બિસ્કિટ મળી આવ્યાં હતા આ બિસ્કીટ કાળા રંગની પોલિથીનમાં રાખવામાં આવ્યા હતા. ઝડપી લેવામાં આવેલુ સોનું વિદેશી છે. 

સોનું કબજે કર્યા બાદ સંબંધિત મુસાફર વિશે જાણવા માટે સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ટોયલેટમાંથી જંગી માત્રામાં સોનાના બિસ્કીટ મળી આવતા કસ્ટમના અધિકારીઓ ચોંકી ઉઠ્યાં હતા. તેમજ એરપોર્ટ ઉપર સોનાની દાણચોરીને અટકાવવા માટે તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના વિવિધ એરપોર્ટ ઉપર છેલ્લા કેટલાક સમયથી સોનાની દાણચોરીના બનાવો વધી રહ્યાં છે. જેથી સોનાની દાણચોરીને અટકાવવા માટે કસ્ટમ વિભાગે કમર કરી છે. તેમજ તમામ એરપોર્ટ ઉપર સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે.