Site icon Revoi.in

ઉત્તર પ્રદેશ: શરૂઆતના ૩ દિવસોમાં 9 લાખ સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે

Social Share

ઉત્તરપ્રદેશ સરકારે સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે કોરોના વેક્સીનને લઈને મોટી જાહેરાત કરી છે. રાજ્યના 9 લાખ ખાનગી અને સરકારી સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોના વેક્સીન શરૂઆતના 3 દિવસની અંદર જ લગાવવામાં આવશે. કોરોના વેક્સીનેશન કાર્યક્રમ દેશભરમાં 16 જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે.

ત્રીજું અને છેલ્લું ડ્રાય રન સફળતાપૂર્વક પૂર્ણ થવા પર રાજ્યના અધિક મુખ્ય સ્વાસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદે કહ્યું કે,”વેક્સીનેશનના પ્રથમ તબક્કામાં તમામ ખાનગી અને સરકારી સ્વાસ્થ્ય સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે.” પ્રસાદે કહ્યું, “શરૂઆતના ૩ દિવસમાં ફક્ત 9 લાખ આરોગ્ય કર્મચારીઓને વેક્સીન આપવામાં આવશે.”

સોમવારે રાજ્યમાં ત્રીજો ડ્રાય રન સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ સાથે ઉત્તરપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય છે કે, જ્યાં ત્રણ વખત ડ્રાય રન કરવામાં આવ્યા છે. જ્યારે દેશભરમાં બે વખત ડ્રાય રન યોજાયા હતા.

બીજા તબક્કામાં પોલીસ, જેલ પ્રશાસન, હોમગાર્ડ, સફાઇ કામદારો, નાગરિક સંરક્ષણના લોકોને વેક્સીન આપવામાં આવશે. તો, ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો કેન્સર, ડાયાબિટીઝ જેવા ગંભીર રોગોથી પીડિત છે, તેમને વેક્સીન આપવામાં આવશે.

મુખ્યમંત્રીએ વેક્સીનેશનની તૈયારીઓનો હિસ્સો લેવા તમામ જિલ્લાના મેજિસ્ટ્રેટ્સ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી. આ વીડિયો કોન્ફરન્સિંગમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લા અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્રની વેક્સીનેશન માર્ગદર્શિકાનું કડક પાલન થવું જોઈએ. આ સાથે જ અધિકારીઓને વેક્સીનની જાળવણી, સલામતી અને પરિવહન માટે કોલ્ડ ચેન સુનિશ્ચિત કરવાનો પણ આદેશ કરાયો છે.

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યભરમાં લગભગ 1,500 વેક્સીનેશન સેંટર બનાવ્યા છે. આ સેંટર બ્લોક લેવલ પર,સરકારી હોસ્પિટલોમાં,રેલ્વે હોસ્પિટલોમાં અને સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં બનાવવામાં આવ્યા છે.

-દેવાંશી