Site icon Revoi.in

વડોદરાઃ આજવા જળાશય સિઝનમાં પ્રથમવાર છલકાયો, પાણીની આવકમાં સતત વધારો

Social Share

અમદાવાદઃ વડોદરા શહેર માટે પાણીની પરબની ગરજ સારતા આજવા જળાશયના સ્ત્રાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં સપાટીમાં ઝડપી વધારો નોંધાયો હતો.વર્તમાન જળ મોસમમાં આજવા પહેલીવાર ઠરાવેલી સપાટીને વટાવી ગયું હતું.

જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલા સંદેશ પ્રમાણે આજવાની જળ સપાટી,તા.15 મી ઓગષ્ટ સુધી જાળવવાના નિર્ધારિત રૂલ લેવલ 211 ફૂટ થી વધીને 211.05 ફૂટ થઈ હતી. તે પછી આ સપાટી વધીને 211.15 ફૂટ થઈ હતી.બપોરના 12 વાગે સપાટી વધીને 211.25 ફૂટ થઈ ત્યારે કાળા ઘોડા ખાતે વિશ્વામિત્રીની સપાટી 12 ફુટે પહોંચી હતી.

આજવા ખાતે જળ નિયંત્રણ એ પ્રકારની વ્યવસ્થા છે કે રૂલ લેવલ થી સપાટી વધે તો દરવાજાઓ ઉપરથી વહીને પાણી સીધું વિશ્વામિત્રીમાં આવે છે. અહીં દરવાજા ખોલવાની જરૂર પડતી નથી.પાણી સેટ કરવામાં આવેલા લેવલથી ઉપર વહીને નદીમાં જાય છે. આ 62 દરવાજા પશ્ચિમ ભાગમાં આડબંધ રૂપે આવેલા છે.

આજવાના કેચમેન્ટ વિસ્તારમાં રાત્રીના 11 થી આજ સવારના 7 વાગ્યા સુધીમાં 141 મીમી જેટલો ભારે વરસાદ પડ્યો,જેને અનુલક્ષીને ત્યાંના નિયંત્રણ કક્ષ દ્વારા વહેલી પરોઢના સમયે વિશ્વામિત્રીના હેઠવાસના અસર પામતા ગામોના સરપંચો અને અગ્રણીઓને મોબાઈલ દ્વારા નદીમાં પાણી આવવાની સંભાવના અંગે સાવચેત કરવામાં આવ્યા હતા. જરોદ અને આજવા પોલીસ મથકોને પણ સંદેશ આપવામાં આવ્યો હતો.

આજવા ડેમનું સપાટી રૂલ લેવલથી વધી ત્યારે જળાશયમાં પાણીની આવક 6271 ક્યુસેક હતી અને વિશ્વામિત્રી નદીમાં જળ પ્રવાહ 4115 ક્યુસેક હતો. જિલ્લા પુર નિયંત્રણ કક્ષને મળેલા સંદેશમાં આજવાના 62 દરવાજા પર થઈને વિશ્વામિત્રીમાં પાણી આવવાનો સંકેત આપવામાં આવ્યો હતો.