Site icon Revoi.in

વડોદરાઃ ગટરમાં ગુંગળામણથી 3 શ્રમિકોના મોતની ઘટનામાં ખાનગી પાર્ટી પ્લોટના માલિક સામે તંત્રનું આકરુ વલણ

Social Share

અમદાવાદઃ વડોદરામાં ગટર સાફ કરતા મૃત્યુ પામેલા સફાઇકર્મીઓના વારસદારોને તેના હક્કના પૈસા આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા પ્રશાસનની કાર્યવાહી અહીંના એક ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ મૃત્યુ પામેલા ત્રણ સફાઇકર્મીના વારસદારોને મળવાપાત્ર કુલ રૂ. 30 લાખ આપવાના ગલ્લાતલ્લા કરતા માલિકો સામે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મિલ્કત ઉપર બોજો નાખવાનું શસ્ત્ર ઉગામ્યું છે. પાર્ટી પ્લોટની કરોડોની મિલ્કત ઉપર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બોજો નાખતાની સાથે જ તેના માલિકોએ વારસદારોને રકમ ચૂકવી આપી હતી. આમ, જિલ્લા વહીવટી તંત્રએ મૃતક સફાઇ કામદારોના વારસદારોને ન્યાય અપાવ્યો છે.

સુપ્રિમ કોર્ટે એવી માર્ગદર્શિકા આપી છે કે, હાથથી સફાઇ કરતી વેળાએ જો સફાઇકર્મીનું મૃત્યું થાય તો તેવા સંજોગોમાં સંબંધિત સ્થળના માલિકે પણ વળતર આપવું પડશે. વડોદરા શહેરમાં થોડા વર્ષો પહેલા બનેલી ઘટનામાં ખાનગી પાર્ટી પ્લોટમાં ગટર સાફ કરતી વેળાએ ત્રણ સફાઇકર્મીઓના મૃત્યું થયા હતા. સરકાર દ્વારા મળવાપાત્ર સહાય તો તુરંત ચૂકવી દેવામાં આવી હતી. પણ, પાર્ટી પ્લોટના માલિકો દ્વારા પ્રત્યેક મૃતક દીઠ રૂ. 10 લાખ એમ કુલ મળી રૂ. 30 લાખ ચૂકવવામાં ગલ્લાતલ્લા કરવામાં આવતા હતા.

પાર્ટીપ્લોટના માલિકો દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, તેમણે આ પાર્ટી પ્લોટ બીજા વ્યક્તિને સંચાલન કરવા માટે આપ્યો હતો, એટલે તેમણે આ સહાય ચૂકવવાની રહેતી નથી. પણ, તેમની આ દલીલ માન્ય રહે તેવી નહોતી. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની કચેરી દ્વારા પાંચેક વખત પાર્ટી પ્લોટના માલિકોને નોટિસો આપવામાં આવી હતી. આમ છતાં, તેઓ રૂ. 30 લાખ ચૂકવતા નહોતા. આથી, તેમની સામે કાર્યવાહી કરતા કલેક્ટર અતુલ ગોરે સૂચના આપી હતી. આ સૂચનાને ધ્યાને રાખીને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિએ કરોડોના પાર્ટી પ્લોટ ઉપર સરકારી લેણા બાકી હોવાની બોજા નોંધ દાખલ કરવા માટે આદેશ કર્યો હતો અને તે મિલ્કત ઉપર બોજો નાખી દેવામાં આવ્યો હતો. જે મિલ્કત ઉપર આવી બોજા નોંધ હોય તેનું વેચાણ કરી શકાતું નથી.

મિલક્ત ઉપર બોજો પડતાની સાથે પાર્ટી પ્લોટના માલિકો નરમ પડી ગયા હતા અને તેમણે મૃતક સફાઇ કામદારોના વારસદારોને રૂ. 30 લાખ ચૂકવી આપ્યા હતા. આમ, જિલ્લા વહીવટી તંત્રએ સંવેદનશીલ બની સફાઇકર્મીઓના પરિવારોને ન્યાય અપાવ્યો હતો.