Site icon Revoi.in

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું નિધન

Social Share

બેંગ્લોર :કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કેરળના પૂર્વ મુખ્યમંત્રી ઓમન ચાંડીનું આજે સવારે નિધન થયું છે. તેઓ 79 વર્ષના હતા. છેલ્લા કેટલાક મહિનાઓથી બેંગ્લોરમાં તેની સારવાર ચાલી રહી હતી. તેમના પુત્રએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે 2004-2006, 2011-2016ના સમયગાળા દરમિયાન કેરળના મુખ્ય મંત્રી તરીકે સેવા આપી હતી.

કેરળ કોંગ્રેસના અધ્યક્ષ કે. સુધાકરણે ટ્વીટ કરીને ઓમન ચાંડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું કે કેરળના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ઓમન ચાંડીનું નિધન થયું છે. તેણે લખ્યું હતું કે પ્રેમની શક્તિથી વિશ્વને જીતનાર રાજાની વાર્તાનો કરુણ અંત થયો. આજે, એક મહાન વ્યક્તિના નિધનથી હું ખૂબ જ દુઃખી છું. તેમણે અસંખ્ય વ્યક્તિઓના જીવનને પ્રભાવિત કર્યું અને તેમની વિરાસત   હંમેશા અમારી આત્મામાં ગુંજતી રહેશે.

ઓમન ચાંડી ઘણા સમયથી બીમાર હતા. વર્ષ 2019થી તેમની તબિયત લથડી હતી. ચાંડીને ગળા સંબંધિત બિમારી થયા બાદ તેને જર્મની લઈ જવામાં આવ્યા હતા. તેઓ 1970 થી રાજ્ય વિધાનસભામાં પુથુપલ્લી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પુત્ર ચાંડી ઓમ્માને મંગળવારે સવારે લગભગ 5 વાગે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પિતાના નિધનની જાણકારી આપી હતી.

તેઓ કોટ્ટયમ જિલ્લામાં તેમના વતન પુથુપલ્લીથી ચૂંટણી લડતા હતા. તેઓ સતત 12 વખત વિધાનસભાની ચૂંટણી જીત્યા. તેઓ એક સામૂહિક નેતા હતા અને લોકો સાથેના તેમના નજીકના સંપર્કો માટે તેમની પ્રશંસા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આયોજિત જનસંપર્ક કાર્યક્રમને પરિણામે સેંકડો લોકોની લાંબા સમયથી પડતર ફરિયાદોનું તાત્કાલિક નિવારણ થયું.

તેમણે કે કરુણાકરણ અને એકે એન્ટોની સરકારમાં મંત્રી તરીકે પણ સેવા આપી હતી અને નાણાં, ગૃહ અને શ્રમ વિભાગો સંભાળ્યા હતા. ચાંડીને 2018માં AICC મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. તેમણે 2006 થી 2011 સુધી કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ સેવા આપી હતી. ચાંડીના પરિવારમાં પત્ની મરિયમ્મા ઓમ્માન, પુત્ર ચાંડી ઓમ્માન અને પુત્રીઓ મારિયા અને અચુ છે.

Exit mobile version