Site icon Revoi.in

બનાસકાંઠાના અવાળા અને અરણીવાડાના ગ્રામજનોએ ખનીજ ચોરી સામે મોરચો માંડ્યો

Social Share

પાલનપુરઃ બનાસકાંઠામાં માથાભારે ખનીજચોરો તંત્રને પણ ગાંઠતા નથી. ખાણ-ખનીજ વિભાગ તેમજ પોલીસ દ્વારા અવાર-નવાર દરોડા પાડવામાં આવતા હોવા છતાંયે ખનીજચોરી અટકતી નથી. ત્યારે હવે જે ગામડાંઓ નજીક ખનીજચોરી થતી હોય ત્યાં ગ્રામજનો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જિલ્લાના અમીરગઢ તાલુકાના અવાળા અને અરણીવાડા ગામે ગ્રામજનોએ ખનીજ માફિયાઓ સામે જ મોરચો માંડ્યો છે. ગ્રામજનોએ ભેગા થઈ અને ખનીજ ચોરી કરતા ટ્રક અને ટ્રેક્ટરોને અટકાવ્યા હતા, જેની જાણ થતાં જ ખાણ ખનીજ વિભાગની ટીમ દોડી આવી હતી. ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓનો  ગ્રામજનોએ  ઉધડો લીધો હતો. અને જો ખનીજચોરી અટકાવમાં નહીં આવે તો લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપવામાં આવી હતી.

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં બનાસ નદીમાં ખનીજની ચોરી બેરોકટોક થતી હોવાની ફરિયાદો છતાંયે ખનીજ માફિયાઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. લોકો દ્વારા રજૂઆતો કરાયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, પરંતુ થોડા સમય બાદ ખનીજ માફિયાઓ ફરી ખનનમાં લાગી જાય છે. તાલુકાના અવળા અને અરણીવાડા ગામના લોકો બનાસ નદીમાં થતા ખનનને  રોકવા રોડ ઉપર એકત્ર થયા હતા અને રેતી ચોરી કરીને આવી રહેલા ટ્રેક્ટરને અટકાવ્યા હતા. ખનનચોરી નહીં અટકે અને બેફામ ટ્રેક્ટર ચાલકો નાથવામાં નહીં આવે તો આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનો ચીમકી ઉચ્ચારી હતી.

આ બનાવવાની જાણ ખાણ ખનીજ વિભાગની ટીમને થતા ખાણ ખનીજ વિભાગની ટીમ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. નદીમાં મોટા પાયે રેતી ચોરી કરી ટ્રેક્ટર ચાલકો બેફામ દોડતા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ ખાણ ખનીજની ટીમનો ઉધડો લીધો હતો. આ અંગે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, ઈકબાલ ગઢથી ખારા જતા રોડ ઉપર અવાળા અને અરણીવાડા ગામ આવે છે. બંને ગામની સીમમાંથી બનાસ નદી પસાર થાય છે. જે બનાસ નદીમાં રેતીનું ખનન થઈ રહ્યું છે. છેલ્લા એકાદ વર્ષથી તો સરકારને ઘણી રજૂઆતો કરી છે. મામલતદારને પણ રજૂઆતો કરી છે. જોકે. હજી સુધી મામલતદારએ કોઈ એક્શન લીધી નથી.