Site icon Revoi.in

વિવેક ઓબેરોયે ટ્વિટર પરથી પોતાની વિવાદિત ટ્વિટ કરી ડીલીટ, માંગી લીધી માફી

Social Share

એક્ઝિટ પોલ્સને લઇને એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન પર મીમ શેર કરીને વિવાદમાં ફસાઇ ગયેલા વિવેક ઓબેરોયે મંગળવારે સવારે માફી માંગી લીધી. તેની સાથે જ તેણે જે મીમ શેર કર્યું હતું તેને પણ ટ્વિટર પરથી ડીલીટ કરી નાખ્યું.

વિવેકે એકસાથે બે ટ્વિટ કર્યા. પહેલા ટ્વિટમાં તેણે લખ્યું, ‘ક્યારેક-ક્યારેક કોઇને પહેલીવારમાં જે મજેદાર અને હાનિરહિત લાગે છે, એવું કદાચ બીજાને નથી લાગતું. મેં છેલ્લા 10 વર્ષ 2000થી વધુ અસહાય છોકરીઓના સશક્તિકરણમાં વીતાવ્યા છે. હું ક્યારેય કોઈ મહિલાનું અપમાન કરવા અંગે વિચારી પણ ન શકું.’

બીજા ટ્વિટમાં તેણે લખ્યું, ‘જો મીમ પર મારા રિપ્લાયથી એકપણ મહિલાની લાગણી દુભાઈ હોય તો તેમાં સુધારની જરૂર છે. માફી માંગું છું. ટ્વિટ ડીલીટ કરી દીધી છે.’

ઉલ્લેખનીય છે કે સોમવારે વિવેક ઓબેરોયે ત્રણ ફોટાવાળું એક મીમ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી શેર કર્યું હતું. મીમ ત્રણ હિસ્સાઓ- ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને રિઝલ્ટને દર્શાવતું હતું. ઓપિનિયન પોલમાં ઐશ્વર્યા સલમાન સાથે હતી, એક્ઝિટ પોલમાં તે વિવેક સાથે અને રિઝલ્ટમાં તે અભિષેક અને આરાધ્યા સાથે દેખાતી હતી. ઐશ્વર્યા અને તેની દીકરીને આ રીતે પ્રદર્શિત કરવાને લઇને વિવેક સોશિયલ મીડિયા પર ટ્રોલ તો થયો જ પણ તે ઉપરાંત રાષ્ટ્રીય મહિલાપંચે પણ તેને આ મામલે નોટિસ ફટકારી હતી.

આ પહેલા વિવેક ઓબેરોયે કહ્યું હતું, ‘જો મેં કંઇ ખોટું કર્યું હશે તો હું માફી માંગી લઇશ પરંતુ મને નથી લાગતું કે મેં કંઇ ખોટું કર્યું છે. તેમાં ખોટું શું છે? કોઇએ એક મીમ ટ્વિટ કર્યું અને હું તેના પર હસી પડ્યો.’ વિવેકે કહેલું કે મને નથી ખબર લોકો તેને કેમ આટલો મોટો મુદ્દો બનાવી રહ્યા છે. કોઇ તમારા પર હસતું હોય તો તેને ગંભીરતાથી ન લેવું જોઇએ.