ગાંધીનગરઃ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નજીકના વિસ્તારમાં આવેલી વાઘોડિયા ઉપરાંત માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતોને એકત્રિત કરી આ નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવામાં આવશે. વાઘોડિયા નગરપાલિકા બનતા આ વિસ્તારોનો વિકાસ કરી શકાશે.
વડોદરાના વાઘોડિયા, માડોધર અને ટીંબી ગ્રામ પંચાયતો વડોદરા શહેરથી નજીક છે. એટલે કે સીમાડા વિસ્તારની ગ્રામ પંચાયતો ગણાય છે. આ ગ્રામ પંચાયતોના વિસ્તારમાં મોટા ઉદ્યોગો, GIDC અને શૈક્ષણિક સંસ્થાઓ પણ આવેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસની આ ગતિને ધ્યાને લઈને શહેરી વિકાસ વિભાગ દ્વારા વાઘોડિયાને નગરપાલિકા બનાવવા કરેલી દરખાસ્તને અનુમોદન આપ્યું છે. બંધારણની જોગવાઈઓ અનુસાર જે-તે વિસ્તારની વસ્તી, વસ્તીની ઘનતા અને સ્થાનિક વિસ્તારની આવક અને ભૌગોલિક પરિબળોને ધ્યાનમાં લઈ ગ્રામ પંચાયતો તથા આઉટગ્રોથ વિસ્તારોને નગરપાલિકામાં ભેળવવાની રાજ્ય સરકારને સત્તા મળેલી છે. આ સંદર્ભમાં રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રિજીયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ વડોદરા ઝોન, વડોદરા જિલ્લા કલેક્ટર અને વડોદરા મ્યુનિસિપલ કમિશનરના સકારાત્મક અભિપ્રાય સાથે મળેલી દરખાસ્ત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઘોડિયાને નવી નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મંજૂર કરતાં હવે આ વિસ્તારને શહેરી સુખાકારી સુવિધાના વ્યાપક લાભ મળશે અને ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના સીમાડા વિસ્તારમાં આવેલી ત્રણ ગ્રામ પંચાયતોને પહેલા મ્યુનિ.કોર્પોરેશનમાં મર્જ કરવાની વિચારણા ચાલતી હતી. ત્યારબાદ ત્રણેય ગામોને એક કરીને નવી વાઘોડિયા નગરપાલિકા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી નગરપાલિકા બનતા આ વિસ્તારનો વિકાસ પણ કરી શકાશે.