Site icon Revoi.in

ફરવા માટે શિવરાજપુર બ્લુ બીચ પર જવાનું છે? તો જાણી લો નિયમ

Social Share

ગુજરાતમાં આમ તો પ્રવાસના દરેક સ્થળ પર પ્રવાસીઓની ભીડ બારે માસ જોવા મળતી હોય છે. પ્રવાસી સ્થળો પર ક્યારેક તો વધારે પ્રમાણમાં લોકો આવી પહોંચતા હોય છે ત્યારે હાલમાં જ દ્વારકામાં આવેલા શિવરાજપુર બ્લુ બીચને લઈને નોટિસ જાહેર કરવામાં આવી છે.

બ્લુ કલરનું એકદમ સ્વચ્છ પાણી ધરાવતો શાંત દરિયા કિનારો પ્રવાસીઓ જાણે વિદેશમાં ફરતા હોય તેવી અનુભૂતિ કરાવે છે. ત્યારે આ દરિયાની સુંદરતા અને સ્વચ્છતા જળવાય તે માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દ્વારકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. દ્વારકામાં આવેલો બ્લૂ ફ્લેગ ધરાવતો શિવરાજપુર બીચ એકદમ શાંત અને રળીયામણો હોવાથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવે છે. જેથી સ્વચ્છતાના ભાગરૂપે જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું છે. શિવરાજપુર બીચ પર ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં પ્લાસ્ટીકના ઉપયોગ, વાહનોની અવર-જવર અને કચરો ફેંકવા પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામું 20 મે સુધી અમલમાં રહેશે.

ભારતે દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે, ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે, જેમાંથી 2 બીચ ગુજરાતના છે. એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. દુનિયાના બ્લુ ફ્લેગ બીચો ધરવતા દેશોમાં ભારતે 8 બ્લુ ફ્લેગ બીચ સાથે સ્થાન મેળવી લીધું છે.