Site icon Revoi.in

પાણીથી જાડું છે લોહી: મુકેશ અંબાણીએ 550 કરોડની ચુકવણીમાં ભાઈની કરી મદદ, અનિલ અંબાણીએ કહ્યુ- આભાર

Social Share

રિલાયન્સ કમ્યુનિકેશન્સ એટલે કે આરકૉમએ સ્વીડનની દૂરસંચાર ઉપકરણ બનાવનારી કંપની એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચુકવણી કરી છે. પરંતુ આ નાણાં અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણી પાસેથી લઈને ચુકવ્યા છે. જો આરકોમ કંપની એરિક્સનને નાણાં ચુકવવામાં નિષ્ફળ જાત, તો આરકોમના ચેરમેન અનિલ અંબાણીને ત્રણ માસ જેલની સજા કાપવી પડે તેવી શક્યતા હતી. આવા કપરા સમયે ભાઈને ભાઈ કામ આવ્યા અને અનિલ અંબાણીના મોટાભાઈ મુકેશ અંબાણીએ તેમને મદદ કરી છે.

કારોબારી મુસીબતમાં મદદ બદલ અનિલ અંબાણીએ તેમના મોટાભાઈ મુકેશ અંબાણીનો આભાર માન્યો છે. તેમણે કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેવું ચુકવવા માટે યોગ્ય સમયે મદદ બદલ ભાઈ મુકેશ અંબાણી અને ભાભી નીતાનો આભાર.

રિલાયન્સ કમ્યુનિકેશન્સે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી મંગળવાર સુધીની સમયમર્યાદાની અંદર આ ચુકવણી કરી હતી. ગત મહીને આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેને જાણીજોઈને ચુકવણી નહીં કરવાનો મામલો ગણાવ્યો હતો અને અનિલ અંબાણીને અદાલતની અનાદરના દોષિત માન્યા હતા.

તેના પછી કોર્ટે કંપનીને આદેશ આપ્યો હતો કે તેઓ ચાર સપ્તાહમાં એરિક્સનને દેણું ચુકતે કરે અથવા અનિલ અંબાણી ત્રણ માસ જેલનો કારાવાસ ભોગવે. આ ઘટનાક્રમ સાથે જોડાયેલા એક સૂત્રને ટાંકીને આવેલા મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આરકોમે સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ એરિક્સનને 550 કરોડ રૂપિયાની ચુકવણી કરી દીધી છે.

જો કે રિલાયન્સ કમ્યુનિકેશન્સ તરફથી આનું સત્તાવાર નિવેદન છેલ્લી માહિતી સુધી આપવામાં આવ્યું નથી. તો મીડિયા અહેવાલ મુજબ એરિક્સનની પણ આના સંદર્ભે કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ શકી નથી.

મહત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે આરકોમને ચુકવણી માટે 19 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. જો કંપની આમ કરવામાં નિષ્ફળ જાત, તો અનિલ અંબાણીને ત્રણ માસની જેલની સજા થાય તેવી શક્યતા હતી. આરકોમ આના પહેલા એરિક્સનને 118 કરોડ રૂપિયાની ચુકવણી કરી ચુકી છે.

તો અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ કેપિટલે કર્જની ચુકવણી માટે રિલાયન્સ નિપ્પન લાઈફ એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં ભાગીદારી વેચવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ કહ્યું છે કે મુખ્ય કારોબારથી અલગની કેટલીક મિલ્કતો તથા રિલાયન્સ નિપ્પનમાં 3 ટકા અને રિલાયન્સ જનરલ ઈન્શ્યોરન્સમાં 49 ટકાની હિસ્સેદારી વેચીને કુલ દેવામાં 50થી 60 ટકાનો ઘટાડો કરવામાં આવશે.