Site icon Revoi.in

ક્રિકેટ વર્લ્ડકપઃ વેસ્ટ ઈન્ડિઝની પાકિસ્તાન સામે 7 વિકેટે જીત

Social Share

લંડનઃ ક્રિકેટ વર્લ્ડકપની બીજી મેચ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઈ હતી. પ્રથમ દાવમાં ઉતરેલી પાકિસ્તાનની ટીમ 21.4 ઓવરમાં 105 રને ઓલઆઉટ થઈ હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે માત્ર 13.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 106 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેસ્ટમેન ક્રિસ ગેલે સતત છઠ્ઠી મેચમાં ફિફટી ફટકારી હતી. ગેલ વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકાનારો બેસ્ટ મેન બન્યો છે.

ક્રિકેટ વર્લ્ડકપ 2019ની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટ્રેન્ટબ્રિજ ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. પ્રથમ બેટીંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ ટ્રેન્ટબ્રિજ ખાતે વર્લ્ડકપની બીજી મેચમાં 105 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓશેન થોમસ અને જેસન હોલ્ડરના ઘાતક સ્પેલ સામે પાકિસ્તાને હથિયાર હેઠા મૂકી દીધા છે. થોમસે 4 વિકેટ, હોલ્ડરે 3, આન્દ્રે રસેલે 2 અને શેલ્ડન કોતરેલે 1 વિકેટ લીધી હતી. તેમની ઝડપ અને બાઉન્સ સામે પાકિસ્તાનનો કોઈ પણ બેટ્સમેન ટકી શક્યો ન હતો. પાકિસ્તાન માટે બાબર આઝમ અને ફકર ઝમાને સર્વાધિક 22 રન કર્યા હતા. તેમના 6 બેટ્સમેન સિંગલ ડિજિટમાં પેવેલિયન ભેગા થયા હતા. પાકિસ્તાને 14 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 70 રન કર્યા હતા.

બાબર આઝમ 22 રને ઓશેન થોમસની બોલિંગમાં કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. હોપે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવીને શાનદાર કેચ કર્યો હતો. હેરિસ સોહેલ આન્દ્રે રસેલની બોલિંગમાં કીપર હોપ દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે 11 બોલમાં 8 રન કર્યા હતા. ફકર ઝમાન પણ રસેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 16 બોલમાં 22 રન કર્યા હતા. તે પહેલા ઇમામ ઉલ હક 2 રને શેલ્ડન કોતરેલની બોલિંગમાં કીપર શાઈ હોપના હાથે કેચ આઉટ થયો હતો.

106 રનના ટાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે ક્રિસ ગેલના 50 રનની મદદથી માત્ર 13.4 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. પાકિસ્તાન માટે મોહમ્મદ આમિરે 3 વિકેટ લીધી હતી. ગેલ વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બન્યો. ગેલના નામે હવે વર્લ્ડકપમાં 40 છગ્ગા છે. આ પહેલા તે અને દક્ષિણ આફ્રિકાના એબી ડિવિલિયર્સ બંને 37 સિક્સ સાથે પ્રથમ સ્થાને હતા.