Site icon Revoi.in

કોરોનાનું વધતું સંક્રમણ શું ફરીથી અર્થતંત્રની વૃદ્વિ પર બ્રેક લગાડશે? શું છે સ્થિતિ

Social Share

દિલ્લી: દેશમાં ફરીથી કોરોના સંક્રમણે ઉથલો માર્યો છે ત્યારે આ ખાસ કરીને ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક સંકેતો કહી શકાય છે. નીતિઓ ફરી સામાન્ય બનવામાં અપેક્ષા કરતા વધુ ઢીલ જોવા મળી શકે છે પરંતુ આગામી નાણાકીય વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહેવાની ધારણામાં હજુ કોઇ ઘટાડો આવ્યો નથી એમ નોમુરા દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે.

જો કે બીજી તરફ સકારાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો દેશમાં વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થઇ ચૂકી હોવાથી નવા કેસોની અર્થતંત્ર પર મર્યાદિત અસર જોવા મળી શકે છે. ઉદાર નાણાં નીતિ પણ અર્થતંત્ર માટે ટેકારૂપ બની રહેશે.

કોરોનાના નવા કેસ છતાં સરકાર દ્વારા હજુ સખત પ્રતિબંધો લાગૂ કરાયા નથી. દેશના ઉપભોક્તા તથા વેપારગૃહો નવી સ્થિતિ સાથે સાનુકૂળ બની ગયા છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આને કારણે નવા કેસોની અર્થતંત્ર પર નેગેટિવ અસર મર્યાદિત હશે. આગામી નાણાંકીય વર્ષ માટે દેશના 13.50 ટકાના આર્થિક વૃદ્વિ દરના અંદાજે નોમુરાએ યથાવત્ રાખ્યો છે.

વેક્સિનેશન ડ્રાઇવના હાલના ચરણને જોતા વર્તમાન વર્ષમાં ભારતની વસતિના 30 ટકા લોકોનું રસીકરણ શક્ય બનશે. દેશમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક સહિતના રાજ્યોમાં કોરોનાના કેસો ફરી માથું ઊંચકી રહ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષનો દેશનો આર્થિક વૃદ્વિદર નેગેટિવ રહેવાનો અંદાજ છે.

ગત વર્ષના ઑક્ટોબરથી દેશમાં ઉપભોક્તાની માંગમાં વૃદ્વિ નોંધાઇ છે અને રિટેલ વેચાણ પણ કોરોનાના પહેલાના સ્તરે જોવા મળી રહ્યું છે ત્યારે સરકાર ફરી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરવાના મૂડમાં નથી.

બીજી તરફ દેશની ઉત્પાદન તેમજ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓ પણ ધમધમી રહી છે ત્યારે હાલના તબક્કે કેન્દ્ર તથા રાજ્ય સરકારો અર્થતંત્રને ફટકો કે પ્રતિકૂળ અસર પડે તેવા પગલાં લેવાનું ટાળી રહી છે.

-સંકેત