Site icon Revoi.in

ચોમાસાના આગમનને બે મહિના બાકી છે, ત્યારે રાજકોટ મ્યુનિએ પ્રિ-મોન્સુન કામગીરીનો કર્યો પ્રારંભ

Social Share

રાજકોટઃ ચોમાસાના આગમનને હજુ બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરીનો પ્રારંભ શરૂ કરી દીધો છે. શહેરના જે વિસ્તારોમાં વરસાદને લીધે પાણી ભરાતા હોય તે વિસ્તારોને લોકેટ કરીને કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉપરાંત ચોમાસા પહેલા જ શહેરનાં તમામ વોકળા અને નીચાણવાળા વિસ્તારની સફાઈ કરવામાં આવી રહી છે. જેથી ચોમાસા દરમિયાન પાણીનો નિકાલ થઈ જતા રસ્તાઓ પર પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળી શકે. જોકે દરવર્ષે પ્રિ-મોન્સુનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે,  છતાં પણ શહેરનાં અનેક વિસ્તારોમાં મામુલી વરસાદમાં પાણી ભરાઈ જતા હોય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં દર ચોમાસે રસ્તાઓ ઉપર પાણી ભરાતા હોય છે. દર વર્ષે મ્યુનિ. દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી થાય છે. છતા રસ્તાઓ જળબંબાકાર થતા અટકતા નથી. વોકળા ઉપર થઈ ગયેલા બાંધકામો દૂર કરી શકાતા નથી અને તેના કારણે પાણીની સમસ્યા પણ ઉકેલાતી નથી. શહેરમાં સ્ટોર્મ વોટર ડ્રેનેજ બનાવવા છતા આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જોકે મ્યુનિ. દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસુ નજીક આવતા ફરી પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર માટેની તૈયારીઓ પણ અત્યારથી કરવામાં આવી રહી છે. શહેરમાં દર ચોમાસે લલુડી વોકળી, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, જે.કે. ચોક, પંચાયતનગર, નાના મવા સર્કલ તેમજ મવડીના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હોવાથી તેનો ઉકેલ જરૂરી છે. પણ મનપા દ્વારા ચોમાસા પુરતી વ્યવસ્થા કરી દેવાય છે અને પછી સમસ્યા ભૂલી જવાય છે.

આરએમસીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન રાજકોટ શહેરમાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા થતી સમસ્યાને પહોંચી વળવા માટે પ્રિ-ન્મોન્સૂન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ વખતે મ્યુ. કમિશનરે ચોમાસાને કારણે રસ્તાઓ પર પડતા ખાડાઓની તાત્કાલિક મરામત થાય તે માટે ઝોનવાઈઝ કવિક રિસ્પોન્સ ટીમ રચવા પણ આદેશ કર્યો છે. તેમજ ડ્રેનેજ કે ખુલ્લી ગટરની સફાઈ કામગીરી દરમિયાન જાહેર સલામતી ખાતર, રસ્તા પર કામ ચાલુ છે તેની જાણકારી લોકોને મળી રહે તે માટે વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ ગટરના ઢાંકણાં પાસે કે ખુલ્લી ગટર પાસે અચૂક રાખવા સૂચના પણ આપી હતી. ઉપરાંત જે સ્થળોએ વરસાદી પાણી વિશેષ પ્રમાણમાં ભરાતા હોય ત્યાં પાણીનો ઝડપી નિકાલ થાય તે માટે જરૂરી સાધનો હાથવગા રાખવા પણ અધિકારીઓને ખાસ સૂચના અપાઈ છે. ચોમાસા પૂર્વે શહેરમાં જર્જરિત મકાનોનાં અનુસંધાને સંબંધિત મકાન માલિકને મકાન ખાલી કરવા કે તોડવા પૈકી જે કામની આવશ્યકતા હોય તે અંગે નોટિસ પાઠવવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. નદી, નાળા કે વોકળાની નજીકમાં આવેલા શાળાઓ કે આંગણવાડીઓમાં સેફ્ટી અંગેની જરૂરી ચકાસણી કરવા અને જરૂરિયાત જણાયે તુરંત જ શાળાઓ કે આંગણવાડીઓ અન્ય સલામત સ્થળે શિફ્ટ કરી લેવા અને તમામ શાળાઓ-આંગણવાડીનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

Exit mobile version