- સ્કૂટર પર સિનિયર સિટિઝન દંપત્તી દવાખાને જઈ રહ્યું હતું
- અકસ્માતમાં એકટિવાસવાર મહિલા પર બસના ટાયર ફરી વળ્યા
- અકસામતની ઘટના બાદ એક કલાક સુધી પોલીસ ન આવતા લોકો રોષે ભરાયા
વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે કારેલી બાગ સર્કલ પાસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. કારેલીબાગ વુડા સર્કલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું મોત નિપજ્યું છે. બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માતના આ બનાવ બાદ એક કલાક સુધી પોલીસ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, શહેરના કારેલી બાગ વુડા સર્કલ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપત્તીને અડફેટે લેતા દંપત્તી રોડ પર પટકાયુ હતું. અને બસના તોતિંગ ટાયર એક્ટિવાસવાર મહિલા પર ફરી વળ્યા હતા. આ બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પોલીસ એક કલાક સુધી પહોંચી નહોતી જેથી લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતક મહિલાના મૃતદેહને બસના ટાયરમાંથી ફાયર અને સ્થાનિક લોકોની મદદથી બહાર કાઢ્યો હતો. ત્યાર બાદ મૃતદેહને સયાજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો
પોલીસ સૂત્રોના કહેવા મુજબ આ અકસ્માતમાં મૃતક મહિલાનું નામ શકુંતલાબેન હિરાલાલ (ઉ.વ. 66) છે. આ મહિલા શહેરના વીઆઇપી રોડ પર આવેલા બાલાજી દર્શનમાં રહેતી હતી. પતિ સાથે કારેલીબાગ વુડા સર્કલ પાસેથી પસાર થતાં હતા ત્યારે ખાનગી ટ્રાવેલ્સ બસે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળના ટાયરમાં આવી જતાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું છે. જ્યારે પતિનો આબાદ બચાવ થયો છે.
આ અંગે જોઈન્ટ પોલીસ કમિશનર ડો. લીના પાટીલે જણાવ્યું હતું કે, શહેરના સૌથી વ્યસ્ત ગણાતા ટી સર્કલ પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં 66 વર્ષીય વૃદ્ધ શકુંતલાબેનનું મોત થયું છે. તેઓ તેમના પતિ સાથે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. અલગ અલગ એજન્સીની મદદથી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ મામલે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અકસ્માત સર્જનાર બસચાલક પોલીસ કસ્ટડીમાં છે.

