Site icon Revoi.in

થાનગઢના મોટા તળાવનું પાણી દૂષિત બનતા મહિલાઓએ પાલિકા કચેરીએ હલ્લાબોલ મચાવ્યો

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના થાનગઢ નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓનો હલ્લાબોલ મચાવ્યો હતો. થાનગઢના મોટા તળાવનું પાણી દૂષિત થતાં રહીશોને હાલાકી સર્જાઇ હતી. થાનગઢ તળાવમાં માંસ મટન વેચનારા લોકો વેસ્ટ મટન નાખી જતા હોવાથી મહિલાઓમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.

થાનગઢ  નગરપાલિકામાં સ્થાનિક મહિલાઓનો હલ્લાબોલ મચાવ્યો હતો. થાનગઢ તળાવમાં માંસ મટન વેચનારા તત્વો વેસ્ટ મટન નાખી જતા હોવાથી મહિલાઓમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. વેસ્ટ માંસ મટન તળાવમાં નાખતા હોવાથી આરોગ્ય કથળવાની ભીતિ મહીલાઓએ વ્યક્ત કરી હતી. થાનગઢ મોટા તળાવનું પાણી દૂષિત થતાં રહીશોને હાલાકી સર્જાઇ હતી. આ વિકટ પ્રશ્ને મોટી સંખ્યામાં સ્થાનિક વિસ્તારની મહિલાઓ પાલિકા કચેરીએ ધસી જઇ પાલિકા હાય-હાયના સુત્રોચ્ચાર પોકાર્યા હતા. અને થાનગઢ તળાવના દૂષિત પાણીની સમસ્યા અંગે પાલિકા તંત્રને આવેદનપત્ર પાઠવ્યું હતુ. સાથે આ વિકટ સમસ્યાનો તાકીદે ઉકેલ પાલિકા દ્વારા વહેલી તકે નહી કરવામાં આવે તો મહિલાઓએ ભૂખ હડતાળ પર ઉતારવાની ચીમકી આપી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, તળાવના કાંઠે ઊભા નથી રહેવાતું એટલું બધુ તળાવનું પાણી દુર્ગંધ મારે છે. લોકો તળાવના પાણીનો ઉપયોગ પણ કરી શક્તા નથી. જે લોકો તળાવના પાણીમાં માસ-મટ્ટનનો કચરો ફેંકી જતાં હોય તેની સામે પગલાં લેવાવા જ જોઈએ. આ અંગે અગાઉ પણ પાલિકાના સત્તધિશોને રજુઆત કરી હતી પણ કોઈ જ પગલાં લેવાયા નથી. હવે પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરીશું. જોકે પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ પગલાં લેવાની ખાતરી આપી છે.