દક્ષિણ ફિલિપાઈન્સમાં સોમવારે વહેલી સવારે એક મોટી દરિયાઈ દુર્ઘટના સર્જાઈ છે. બાસિલાન પ્રાંત નજીક દરિયામાં એક ઈન્ટર-આઈલેન્ડ ફેરી ડૂબી જતા દોડધામ મચી ગઈ હતી. આ ફેરીમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સહિત 300થી વધુ લોકો સવાર હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દરિયામાંથી 13 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તટરક્ષક દળ, નેવીના જહાજો અને આસપાસના માછીમારોની બોટની મદદથી 244 જેટલા મુસાફરોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ કેટલાક લોકો લાપતા હોવાની આશંકા છે, જેમની શોધખોળ માટે મોટા પાયે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, ફિલિપાઈન્સ કોસ્ટ ગાર્ડે માહિતી આપી હતી કે આ ફેરી ઝામ્બોઆંગા શહેરથી સુલુ પ્રાંતના જોલો ટાપુ તરફ જઈ રહી હતી. મુસાફરી દરમિયાન બાસિલાન પ્રાંતના હાજી મુતામદ વિસ્તારમાં આવેલા બાલુકબાલુક ટાપુ પાસે આ દુર્ઘટના બની હતી. ફેરી ડૂબવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ છે. કોસ્ટ ગાર્ડના દાવા મુજબ, બંદર પરથી રવાના થતા પહેલા ફેરીનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં ક્ષમતા કરતા વધુ વજન હોવાના કોઈ સંકેત મળ્યા ન હતા. ખરાબ હવામાન હોવા છતાં વિમાનો અને દરિયાઈ સાધનોની મદદથી બચાવ કાર્ય ચાલુ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે સંપૂર્ણ તપાસ બાદ જ દુર્ઘટનાનું સાચું કારણ બહાર આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલિપાઈન્સ દ્વીપસમૂહમાં દરિયાઈ અકસ્માતો સામાન્ય બની ગયા છે. વારંવાર આવતા વાવાઝોડા, બોટનું નબળું મેન્ટેનન્સ, વધુ પડતી ભીડ અને સુરક્ષા નિયમોના પાલનમાં બેદરકારીને કારણે અહીં અવારનવાર આવી દુર્ઘટનાઓ સર્જાતી રહે છે.
આ પણ વાંચોઃ કઠુઆમાં પાકિસ્તાની ડ્રોન દેખાયું, પ્રજાસત્તાક દિવસે હાઈ એલર્ટ

