Site icon Revoi.in

ભારત સાથે મિસાઈલ ક્ષેત્રમાં સહકાર વધારવા માટે ટ્રમ્પ પ્રશાસને શરૂ કરી ચર્ચા

Social Share

ઓબામાના વહીવટી તંત્રે ભારતને મિસાઈલ તકનીક આપવામાં કોઈ રસ દાખવ્યો ન હતો. ગત વર્ષ ભારતે રશિયા સાથે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીની સમજૂતી કરી હતી.

અમેરિકાએ હિંદ-પેસિફિક વિસ્તારમાં ભારતને પોતાનું મહત્વપૂર્ણ સાથીદાર ગણાવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ભારત વચ્ચે સંરક્ષણ સહયોગના મામલે એક રિપોર્ટ જાહેર કર્યો છે. તેમા કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે મિસાઈલ સંરક્ષણ ક્ષેત્રમાં સહયોગને લઈને ચર્ચા ચાલુ છે. અમેરિકા તરફથી ભારત સાથે મિસાઈલ ક્ષેત્રમાં સહયોગ સંબંધિત રિપોર્ટ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ડીલને કારણે ભારત અને રશિયા સંરક્ષણ સોદાના મામલાઓમાં ફરી એકવાર એકબીજાની નજીક આવ્યા છે.

દક્ષિણ એશિયામાં ભારતની શક્તિ વધારવાની જરૂર

પેન્ટાગનના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં ઘણાં દેશ પોતાની ખુદની મિસાઈલ તકનીક વિકસિત કરી રહ્યા છે. તેમા બેલેસ્ટિકથી લઈને ક્રૂઝ મિસાઈલ તકનીક સુધીના સંરક્ષણલક્ષી શસ્ત્રો અને ઉપકરણો સામેલ છે. તેવામાં અમેરિકાએ પણ ભારતની સાથે મિસાઈલ ક્ષેત્રમાં સહયોગ પર ચર્ચા કરી છે. આવું હિંદ-પેસિફિક વિસ્તારમાં અમેરિકા દ્વારા ભારતને મહત્વપૂર્ણ સાથીદાર માનવાને કારણે શક્ય બન્યું છે.

આ રિપોર્ટમાં ચીન અને રશિયાના મિસાઈલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સને અમેરિકા માટે મોટો ખતરો માનવામાં આવે છે. જો કે તેમણે એ જણાવ્યું નથી કે અમેરિકા અને ભારત કેવી રીતે મિસાઈલ ક્ષેત્રમાં સહયોગ વધારશે.

અમેરિકા પાસેથી મિસાઈલ તકનીક માંગી ચુક્યું છે ભારત

આ પહેલા અમેરિકા લાંબા સમય સુધી ભારતને પોતાની મિસાઈલ તકનીક આપવામાં આનાકાની કરતું રહ્યું છે. કેટલાક વર્ષો પહેલા પાડોશી દેશો સાથે વિવાદ થયા બાદ ભારતે અમેરિકા સાથે તેની મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના સોદાની વાત કરી હતી. ખાસ ઊંચાઈ પર જ આક્રમણ કરી રહેલી મિસાઈલને નષ્ટ કરવાની અમેરિકન ડિફેન્સ સિસ્ટમને થાડ તરીકે ઓળખવામાં આવે છે. ઓબામાના વહીવટી તંત્ર દ્વારા ત્યારે પોતાની તકનીક ભારતને આપવામાં કોઈ રસ દાખવવામાં આવ્યો ન હતો. બાદમાં ભારતે આ તકનીકની ખરીદી માટે રશિયાનો સંપર્ક કર્યો હતો. ગત વર્ષ પુતિન અને મોદી વચ્ચે એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમની ખરીદીનો કરાર થયો હતો. એસ-400 મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ પણ થાડ જેવી અને કેટલાક દાવાઓમાં થાડ કરતા પણ વધુ ઉન્નત હોવાનું માનવામાં આવે છે.

હિંદ મહાસાગરમાં ભારતના નેતૃત્વને સમર્થન

ટ્રમ્પ વહીવટી તંત્રે પોતાની ઈન્ડો-પેસિફિક પોલિસીમાં ભારતને વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. પેન્ટાગનના રિપોર્ટ 2017ની રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિના સૂચનોનો પણ ઉલ્લેખ છે. તેમા કહેવામાં આવ્યું છે કે હિંદ મહાસાગર અને તેની આસપાસના વિસ્તારોની સુરક્ષા માટે અમેરિકા ભારતની સાથે સહયોગ વધારશે. અમેરિકા આ વિસ્તારમાં દરેક પ્રકારે ભારતના નેતૃત્વનું સમર્થન કરશે.