Site icon Revoi.in

સુમન બોડાની બન્યા પાકિસ્તાનના પહેલા હિંદુ મહિલા ન્યાયાધીશ

Social Share

હિંદુ સમુદાયના સુમન પવન બોડાનીને પાકિસ્તાનમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેની સાથે જ સુમન બોડાની પાકિસ્તાનના પહેલા હિંદુ મહિલા ન્યાયાધીશ બની ગયા છે. સુમન બોડાની સિંધના શાહદાદકોટના વતની છે. તેમનું નામ સિવિલ જજ, ન્યાયિક મેજિસ્ટ્રેટની નિયુક્તિ યાદીમાં 54મું સ્થાન ધરાવે છે.

પાકિસ્તાનમાં હિંદુ સમુદાયમાંથી પહેલા ન્યાયાધીશ તરીકે જસ્ટિસ રાણા ભગવાનદાસ નિયુક્ત થયા હતા. તેઓ 2005થી 2007 દરમિયાન પાકિસ્તાનના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકેનો પદભાર પણ સંભાળી ચુક્યા છે.

માર્ચ 2018માં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા કૃષ્ણા કુમારીએ નેશનલ એસેમ્બલીની ચૂંટણીમાં જીત મેળવી હતી. તેઓ પાકિસ્તાનમાં હિંદુ સમુદાયમાંથી સાંસદ બનનારા પહેલા મહિલા છે. કૃષ્ણા કુમારી દલિત પરિવારમાંથી આવે છે. ચૂંટણી જીત્યા બાદ તેમણે કહ્યું હતું કે તેઓ હંમેશા દલિતોના અધિકારો માટે લડતા રહેશે. ખાસ કરીને મહિલાને મજબૂત બનાવવા માટે કામ કરશે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં હિંદુ સમુદાય લઘુમતી શ્રેણીમાં છે. પાકિસ્તાનની કુલ વસ્તીમાં હિંદુઓની સંખ્યા લગભગ બે ટકાની આસપાસ છે. અહીં મુસ્લિમો 95 ટકાથી વધુ છે. પાકિસ્તાનમાં મુસ્લિમો બાદ ખ્રિસ્તી અને બાદમાં હિંદુ સમુદાયનો વસ્તીની દ્રષ્ટિએ ક્રમાંક આવે છે. જો કે અહમદિયાને પાકિસ્તાનમાં બિનમુસ્લિમની શ્રેણીમાં મૂકવામાં આવે છે. આ દ્રષ્ટિએ પાકિસ્તાનમાં મુસ્લિમો બાદ અહમદિયા બીજા ક્રમાંકે છે અને તેઓ પાકિસ્તાનમાં સૌથી મોટો બિનમુસ્લિમ સમુદાય છે.