Site icon Revoi.in

અમેરિકાના એનએસએની ભારતના એનએસએ ડોભાલ સાથે વાતચીત: “ભારતને પોતાની સુરક્ષાનો સંપૂર્ણ અધિકાર”

Social Share

ભારત પુલવામા આતંકવાદી હુમલા બાદ આના માટે જવાબદાર પાકિસ્તાન અને જૈશ-એ-મોહમ્મદને જવાબ આપવાની તૈયારીમાં છે. આ હુમલા બાદ અમેરિકા સહીત દુનિયાના મોટાભાગના દેશ ભારતની સાથે ઉભા છે. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને પણ કહ્યુ છે કે ભારતને આત્મરક્ષાનો અધિકાર છે અને આ મામલા પર તેઓ ભારતની સાથે છે.

અમેરિકાના એનએસએ જૉન બોલ્ટને તેમના ભારતીય સમકક્ષ અજિત ડોભાલની સાથેની વાતચીતમાં કહ્યુ છે કે અમેરિકા ભારતના સ્વરક્ષણના અધિકારનું સમર્થન કરે છે. બોલ્ટને શુક્રવારે સવારે જમ્મુ-કાશ્મીરમાં થયેલી આ આતંકવાદી હુમલા બાદ ડોભાલને ફોન કરીને શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યુ હતુ કે આતંકવાદનો સામનો કરવા માટે અમેરિકા ભારતની સાથે ઉભું છે.

તેમણે કહ્યુ છે કે તેમણે અજીત ડોભાલને કહ્યુ છે કે તેઓ ભારતની આત્મરક્ષાના અધિકારનું સમર્થન કરે છે. તેમણે તેમની સાથે બે વખત વાત કરી છે. સવારે પણ આતંકવાદી હુમલાના મામલે અમેરિકાએ શોક વ્યક્ત કર્યો હતો. બોલ્ટને કહ્યુ છે કે અમેરિકાનું વલણ એ વાત પર સ્પષ્ટ છે કે પાકિસ્તાને આતંકવાદીઓના સુરક્ષિત ઠેકાણાઓને બનવા દેવા જોઈએ નહીં. તેમણે કહ્યુ છેકે અમેરિકા આ મામલામાં બેહદ સ્પષ્ટ છે કે તેઓ પાકિસ્તાન સાથે વાતચીત કરવાનું ચાલુ રાખી રહ્યા છે.

આ પહેલા વ્હાઈટ હાઉસ અને વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ પણ હુમલાને વખોડતા કહ્યુ હતુ કે પાકિસ્તાનને પોતાના દેશની અંદર આતંકવાદીઓના આશ્રયસ્થાનોને બંધ કરવા જોઈએ. પોમ્પિયોએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે તેઓ આતંકવાદનો સામનો કરવા માટે ભારતની સાથે ઉભા છે. પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બનેલા આતંકવાદીઓને સંરક્ષણ આપવાનું બંધ કરવું જોઈએ.

દુનિયાના અન્ય મોટા દેશોએ પણ આતંકવાદનો મુકાબલો કરવામાં ભારત પ્રત્યે પોતાનું સમર્થન પણ વ્ય્ત કર્યું છે અને તેમણે દુખની આ ઘડીમાં સાથે ઉભા રહેવાની પણ વાત કહી છે. દિલ્હી ખાતે વિદેશ મંત્રાલયમાં શુક્રવારે જી-20 દેશોના પ્રતિનિધિઓની સાથે બેઠક પણ કરવામાં આવી છે. વિદેશ સચિવે 25 દેશોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી છે અને પુલવામા એટેકની જાણકારી આપી છે. બેઠકમાં પી-5 દેશો, પાકિસ્તાનને બાદ કરતા તમામ દક્ષિણ એશિયન દેશો તથા અન્ય મોટા દેશો (જાપાન, જર્મની અને કોરિયા)એ ભાગ લીધો હતો.
વિદેશ મંત્રાલયની આ બેઠકમાં યુરોપિયન યુનિયન, કેનેડા, બ્રિટન, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા, જર્મની, હંગેરી, ઈટાલી, જાપાન, દક્ષિણ કોરિયા, સ્લોવેકિયા, સ્વીડન, ફ્રાંસ, સ્પેન અને ભૂટાનના પ્રતિનિધિઓ સામેલ હતા. આ સિવાય બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને નેપાળના પ્રતિનિધિઓ પણ બેઠકમાં સામેલ થયા હતા.

આ પહેલા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અમેરિકાના વિદેશ મંત્રાલયના નાયબ પ્રવક્તા રોબર્ટ પેલાડિનોએ કહ્યુ હતુ કે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાની અમેરિકા કડક શબ્દોમાં નિંદા કરે છે. પાકિસ્તાન ખાતેના આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. તેઓ તમામ દેશોને અપીલ કરે છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું પાલન કરે. જેથી આતંકવાદીઓને સુરક્ષિત ઠેકાણો ઉપલબ્ધ કરાવવાથી બચી શકાય.

વ્હાઈટહાઉસના પ્રેસ સચિવ સારા સેન્ડર્સે હુમલા બાદ કહ્યુ હતુ કે અમેરિકા પાકિસ્તાનને અપીલ કરે છે કે તેઓ પોતાની જમીન પરથી આતંકવાદી ગતિવિધિઓ ચલાવનારા આવા તમામ આતંકવાદી જૂથોને સમર્થન અને સુરક્ષિત આશ્રયસ્થાનો આપવાનું તાત્કાલિક બંધ કરે. આવા આતંકવાદી જૂથોની લક્ષ્ય ક્ષેત્રમાં અવ્યવસ્થા, હિંસા અને આતંકવાદ ફેલાવવાનું છે.

આ હુમલા બાદ દક્ષિણ એશિયાના મામલાના અમેરિકન વિશેષજ્ઞ બ્રુસ રીડલે કહ્યુ હતુ કે આ હુમલો જણાવે છે કે અમેરિકા જૈશ-એ-મોહમ્મદ અને અન્ય ઘણાં આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી માટે પાકિસ્તાન પર દબાણ પેદા કરવામાં નિષ્ફળ રહ્યું છે. હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદ દ્વારા ખુદ જવાબદારી લેવી એ વાત પર ગંભીર સવાલો ઉભા કરે છે કે આ ઓપરેશનની પાછળ આઈએસઆઈની ભૂમિકા હોઈ શકે છે.

ગુરુવારે થયેલા હુમલા બાદ શુક્રવારે વડાપ્રધાન મોદીએ સીસીએસની બેઠક બાદ કહ્યુ હતુ કે આતંકવાદીઓએ ઘણી મોટી ભૂલ કરી છે, તેની કિંમત તેમણે ચુકવવી પડશે. સુરક્ષાદળોને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે.