Site icon Revoi.in

ઝાંસીની રાણીના ‘અવતાર’માં પ્રિયંકા ગાંધી, યોગી આદિત્યનાથના ગઢમાં લાગ્યા પોસ્ટર

Social Share

સત્તાવાર રીતે કોંગ્રેસનો હિસ્સો બની ચુકેલી પ્રિયંકા ગાંધી વાડ્રાની લોકસભા  બેઠકને લઈને હવે ચર્ચાઓ તેજ બની ચુકી છે. પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જબરદસ્ત જોશ જોવા મળી રહ્યો છે. કદાચ તેના કારણે જ અલગ-અલગ લોકસભા મતવિસ્તારોમાંથી પ્રિયંકા ગાંધીને ચૂંટણી લડાવવાની માગણી કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા થઈ રહી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વારાણસી બાદ ગોરખપુર બેઠક પરથી પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવાની માગણી કરી છે.

પ્રિયંકા ગાંધીને ઉમેદવાર બનાવવાની માગણીવાળા બે પોસ્ટર ગોરખપુરમાં લગાવવામાં આવ્યા છે. આમાના એક પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઝાંસીની રાણીના સ્વરૂપમાં દર્શાવવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક પોસ્ટરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વિનંતી કરતો સંદેશો પણ લખ્યો છે.

પહેલા પોસ્ટરમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તાઓએ માગણી કરી છે કે પ્રિયંકા ગાંધીને આગામી લોકસભા ચૂંટણીમાં ગોરખપુરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવે. આ પોસ્ટરમાં સૂત્ર લખવામાં આવ્યું છે કે ગોરખપુર કી યહી પુકાર, પ્રિયંકા ગાંધી સાંસદ ઈસ બાર. જિલ્લા કોંગ્રેસના મહાસચિવ અનવર હુસૈને કહ્યુ છે કે તેઓ પ્રિયંકા ગાંધીના પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનવા બદલ ઘણાં ખુશ છે અને પાર્ટી સમક્ષ માગણી કરે છે કે પ્રિયંકા ગાંધીને આ વખતે ગોરખપુરથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવે.

જ્યારે બીજા પોસ્ટરમાં પ્રિયંકા ગાંધીને ઝાંસીની રાણીના રૂપમાં સફેદ ઘોડા પર સવાર દર્શાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ‘ ચારો તરફ બજ રહા ડંકા બહન પ્રિયંકા, બહન પ્રિયંકા.’ તેની સાથે જ એમ પણ લખવામાં આવ્યું છે કે ‘ દેશ કી અબ યહી પુકાર કોંગ્રેસ આયે અબ કી બાર.‘

પોસ્ટરમાં પ્રિયંકા ગાંધી સાથે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઈન્દિરા ગાંધીની તસવીરો પણ લાગેલી છે. રાહુલ ગાંધીની તસવીરની સાથે નેક્સ્ટ પીએમ એટલે કે આગામી વડાપ્રધાન પણ લખવામાં આવ્યું છે.

ગોરખપુર કોંગ્રેસ સિવાય વારાણસી કોંગ્રેસ જિલ્લા કમિટીએ પણ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી સમક્ષ માગણી કરી છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાને વારાણસીથી લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે. જિલ્લા કોંગ્રેસે આના સંદર્ભે બેઠક બોલાવીને પ્રસ્તાવ પણ પારીત કર્યો છે અને તેના સંદર્ભે એક પત્ર પણ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલ્યો છે. આ પ્રસ્તાવ પારીત કરવાની સાથે જ વારાણસી કોંગ્રેસે દાવો કર્યો છે કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી લોકસભાની ચૂંટણી લડશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ ખરાબ રીતે ચૂંટણી હારી જશે અને તેમની જમાનત પણ જપ્ત થઈ જશે.