Site icon Revoi.in

”ભારત કે મન કી બાત મોદી કે સાથ” થીમ પર ભાજપના 26 ચૂંટણી રથ આજથી ગુજરાતના ગામેગામ ઘૂંમશે

Social Share

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે પણ ચૂંટણી પ્રચાર માટે ધમધમાટ શરૂ કર્યો છે. ગુજરાતમાં ભાજપ તરફથી  ભારત કે મન કી બાત મોદી કે સાથના થીમ પર ગામેગામ રથ ફેરવવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમ્ ખાતેથી ચૂંટણી પ્રચાર માટેના રથોનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ગુજરાત ભાજપે લોકસભાનીચૂંટણીને લઈને પ્રચારનો પ્રારંભ શરૂ કરી દીધો છે.લોકસભાની 26 બેઠક પર ભાજપના 26 રથ ગામેગામ ફરશે. એટલે કે દરેક જિલ્લામાં ભાજપનો ચૂંટણી રથ ફરશે. આ માટે ભાજપ તરફથી ”ભારત કે મન કી બાત મોદી કે સાથ” થીમ બનાવવામાં આવી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કમલમ્ ખાતેથી ભાજપના આ પ્રચારરથોને લીલીઝંડી આપી હતી. ચૂંટણી પ્રચાર માટે દરેક જિલ્લામાં ફરનારા આ રથોમાં સૂચનપેટી તેમજ ટેબલેટના માધ્યમથી પણ લોકો સૂચન કરી શકશે. આ સાથે લોકો ટોલ ફ્રી નંબર પરથી પણ સૂચનો આપી શકશે. આ સૂચનોને આધારે 2019ની ચૂંટણી માટે મેનિફેસ્ટો તૈયાર કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી ભાજપે ઘણા સમયથી શરૂ કરી દીધી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની કુલ 26 બેઠકમાંથી તમામ બેઠક ભાજપના ફાળે ગઈ હતી  આગામી ચૂંટણીમાં પણ તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે ભાજપ મહેનત કરી રહી છે. આ માટે ભાજપે  જોડ-તોડની રાજનીતિ પણ શરૂ કરી દીધી છે. સામાપક્ષે વિપક્ષ પણ લોકસભાની ચૂંટણીમાં બીજેપીના ગઢમાં ગાબડું પાડવા માટે મહેનત કરી રહ્યો છે. આ માટે રાહુલ ગાંધી આગામી 14મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત આવશે તેમજ દક્ષિણ ગુજરાતમાંથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરાશે. પ્રદેશ ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, 2019માં પણ મોદી સરકાર બનશે. મોદી લોકસભાને લઈને લોકોના મનની વાત જાણવા માટે બીજેપીએ આજથી ”ભારત કે મન કી બાત મોદી કે સાથ” અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત 10 કરોડ લોકો પોતાના મનની વાત જણાવશે.