Site icon Revoi.in

લોકસભા ચૂંટણી સુધી ભારત સાથેની તમામ વાતચીત પાકિસ્તાને કરી સ્થગિત

Social Share

પાકિસ્તાને ભારતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પરિણામો સુધી બંને દેશોની વચ્ચે થનારી તમામ પ્રકારની વાતચીતને ટાળવાનું એલાન કર્યું છે.

પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાજ ચૌધરીએ કહ્યુ છે કે પાકિસ્તાન ભારતમાં ચૂંટણી પ્રક્રિયા સમાપ્ત થયા બાદ નવેસરથી વાતચીત કરવા માટે ઈચ્છુક છે, કારણ કે ભારતમાં સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલ રાજકીય ઉથલ-પાથલ વચ્ચે વાતચીતનો યોગ્ય સમય નથી. ઈસ્લામાબાદ તરફથી આ નિવેદન ત્યારે આવ્યું છે કે જ્યારે સિંધુ નદી સમજૂતીને લઈને પાકિસ્તાનનું ત્રિ-સદસ્યીય પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે.

પાકિસ્તાનના પ્રધાન ફવાજ ચૌધરીએ કહ્યુ છે કે ભારતની રાજનીતિમાં ચાલી રહેલી ઉથલ-પાથલ વચ્ચે આ વાતચીતનો યોગ્ય સમય નથી. પાકિસ્તાને ભારતની સાથે વાતચીતની કોશિશો ટાળી દીધી છે,  કારણ કે પાકિસ્તાન ભારતના હાલના નેતૃત્વ તરફથી કોઈ મોટા નિર્ણયની આશા રાખતું નથી. ફવાજ ચૌધરીએ કહ્યુ છે કે જ્યાં સુધી કોઈ સ્થિરતા ન હોય, ત્યાં સુધી ભારત સાથે વાત કરવી વ્યર્થ છે. ચૂંટણી બાદ નવી સરકારની રચના બાદ તેઓ આના સંદર્ભે આગળ વધશે.

આના પહેલા પાકિસ્તાન એવું કહેતું રહ્યું છે કે તેના તરફથી વાતચીતને લઈને કરવામાં આવેલી ઘણી પહેલ પર નવી દિલ્હી તરફથી કોઈ સકારાત્મક જવાબ આવ્યો નથી. જો કે ભારત તરફથી હંમેશા એ વાતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને આશ્રય આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી બંને દેશો વચ્ચે કોઈ નક્કર વાતચીત થવી સંભવ નથી.

નવા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એએનઆઈને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં કહેવામાં આવ્યું હતું કે ભારત પાકિસ્તાન સાથે કોઈપણ મુદ્દા પર વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ બોમ્બ અને બંદૂકના શોરમાં વાતચીતનો અવાજ મોટાભાગે દબાઈ જાય છે.

જો કે પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ પ્રધાન ફવાજ ચૌધરીનું માનવું છે કે કરતારપુર કોરિડોરના ખુલવાથી બંને પાડોશી દેશોના સંબંધોને યોગ્ય બનાવવામાં મદદ મળી શકે છે. ચૌધરીએ ભારતમાં નવા નેતૃત્વમાં સરકાર બનવાની આશા વ્યક્ત કરતા કહ્યુ છે કે ભારતમાં જે પણ સત્તામાં આવશે, પાકિસ્તાન તેની સાથે વાતચીત માટે પોતાના પગલા આગળ વધારશે.
મહત્વપૂર્ણ છે કે કરતારપુર કોરિડોર સંબંધિત મુસદ્દાને આખરી ઓપ આપવા માટે પાકિસ્તાને ભારતીય પ્રતિનિધિમંડળને વાતચીત માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ ભારત તરફથી પાકિસ્તાનના પ્રતિનિધિમંડળને નવી દિલ્હી આવવા માટે કહેવામાં આવ્યું હતું અને આ બેઠક માટે બે સંભવિત તારીખો 26 ફેબ્રુઆરી અને સાતમી માર્ચનું સૂચન કરવામાં આવ્યુ હતું. ભારતના જવાબ પર પાકિસ્તાન તરફથી આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યુ હતુ કે તેમના પ્રસ્તાવ પર નવી દિલ્હીનો જવાબ અપરિપકવ હતો, પરંતુ પાકિસ્તાનનો જવાબ પરિપકવ હશે.