Site icon Revoi.in

વી.એસ હોસ્પિટલ શા માટે તોડી પાડવી છે, હાઈકોર્ટે AMCને પૂછ્યો પ્રશ્ન

Social Share

અમદાવાદઃ શહેરની સૌથી જૂની વાડીલાલ સારાભાઇ હોસ્પિટલના કેમ્પસમાં જ નવી એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવી છે. અને વી.એસ હોસ્પીટલને તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેની સામે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. રિટની સુનાવણી દરમિયાન અરજદારે એવી દલીલ કરી હતી કે, ગરીબ દર્દીઓ માટે ચાલતી મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત વીએસ હોસ્પિટલની સેવાઓ બંધ કરી દેવામાં આવી છે, તેને તોડવાની કામગીરી શરૂ કરાઇ રહી છે. આ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આર્શિર્વાદ સમાન છે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે મ્યુનિ. કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે, ચાલુ હોસ્પિટલ શા માટે તોડી પાડવી છે? તોડી પાડવા પાછળ શું કારણો છે? મ્યુનિ. કોર્પોરેશને તેનો જવાબ રજૂ કરવા મુદત માગી હતી.

ખંડપીઠે એવી શરત મૂકી હતી કે, એક સપ્તાહ સુધી મ્યુનિ. કોર્પોરેશન હોસ્પિટલ તોડશે નહીં તેવી ખાતરી આપવા તૈયાર હોય તો કોર્ટ મુદત આપશે નહીં તો 8 સપ્ટેમ્બરે સુનાવણી યોજાશે.

ઉલ્લેખનીય છે કે, વીએસ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર લેવા માટે આવતા હતા. પરંતુ વીએસ સંકુલમાં જ નવી એસવીપી હોસ્પિટલ બનાવવામાં આવતાં વીએસમાં બેડની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે.

શહેરની વીએસ હોસ્પિટલ તોડી પાડવાના સરકારના નિર્ણય સામે હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટીએ એવી દલીલ કરી હતી કે, હોસ્પિટલની તબીબી સેવા ધીમે ધીમે બંધ કરાઇ રહી છે.જેના લીધે ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડે છે. મ્યુનિ. કોર્પોરેશન જવાબદારીમાંથી છટકી શકે નહીં.

ખંડપીઠે મ્યુનિ. કોર્પોરેશનને એવો સવાલ કર્યો હતો કે ચાલુ હોસ્પિટલ તોડવા પાછળનું કારણ શું છે? કોર્પોરેશને એવો જવાબ આપ્યો હતો કે હોસ્પિટલનું બાંધકામ જર્જરિત અવસ્થામાં છે તેથી તેને તોડવાનો નિર્ણય લીધો છે. ખંડપીઠે કોર્પોરેશનને 8 સપ્ટેમ્બરે જવાબ આપવા આદેશ કર્યો છે.

(PHOTO-FILE)