Site icon Revoi.in

સાઉદી અરેબિયા: ટ્વિટર પર પયગમ્બર મોહમ્મદની વિરુદ્ધ ટીપ્પણી મામલે ભારતીય એન્જિનિયરને 10 વર્ષની સજા કરાઈ

Social Share

સાઉદી અરેબિયામાં કામ માટે ગયેલા એક ભારતીય યુવકને દશ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ યુવક પર આરોપ છે કે તેણે સોશયલ મીડિયા પર પયગમ્બર મોહમ્મદને લઈને વાંધાજનક ટીપ્પણી કરી હતી અને બાદમાં તેને સજા સંભળાવવામાં આવી હતી.

સાઉદી અરેબિયામાં સજા પામનારો યુવક કેરળના અલપ્પુઝાનો છે. જો કે આ મામલો ગત વર્ષ જૂન માસનો છે. હવે આ યુવકના પિતાએ ભારત સરકાર અને કોંગ્રેસના સાંસદ શશી થરુરને આના સંદર્ભે પગલા ભરવાની માગણી કરી છે.

મીડિયા અહેવાલ મુજબ, સજા પામનારા યુવક વિષ્ણુદેવ રાધાકૃષ્ણનના પિતા રાધાકૃષ્ણન નાયરે દાવો કર્યો છે કે તેમનો પુત્ર જૂન-2018થી જેલમાં છે. નાયરને આના સંદર્ભે દૂતાવાસ તરફથી મળેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વિષ્ણુને સોશયલ મીડિયા પર ટીપ્પણી કરવાને કારણે ઈશનિંદા અને સાઉદી અરેબિયા વિરુદ્ધ ટીપ્પણીના આરોપમાં આ સજા આપવામાં આવી છે.

વિષ્ણુના પિતાએ જણાવ્યુ છે કે તેમનો પુત્ર મિકેનિકલ એન્જિનિયર છે અને ગત છ વર્ષથી સાઉદી અરેબિયામાં પ્લાનિંગ એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે ટ્વિટર પર વિષ્ણુની દોસ્તી બ્રિટનની મુસ્લિમ મહિલા સાથે થઈ હતી. તે વખતે બંને વચ્ચે મેસેજ દ્વારા વાતચીત થવા લાગી હતી. રાધાકૃષ્ણન નાયરનો દાવો છે કે જ્યારે મુસ્લિમ મહિલાએ વિષ્ણુ સાથે વાતચીતમાં હિંદુ દેવીદેવતાઓ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી, તો તેના જવાબમાં વિષ્ણુએ પ્રોફેટ મોહમ્મદ વિરુદ્ધ કોઈ ટીપ્પણી કરી હતી.

વિષ્ણુના આ ટ્વિટ સર્વરમાં રેકોર્ડ થઈ ગયા હતા. તેને બાદમાં સાઉદી અરેબિયાની પોલીસને મોકલવામાં આવ્યા હતા. પોલીસે જૂન-2018માં વિષ્ણુની ધરપકડ કરી હતી. સપ્ટેમ્બરમાં તેણે પાંચ વર્ષની સજા ફટકારી હતી અને દોઢ લાખ સાઉદી રિયાલનો દંડ પણ લગાવ્યો હતો. બાદમાં આ વર્ષે 24 જાન્યુઆરીએ વિષ્ણુની સજાને લંબાવીને દશ વર્ષની કરવામાં આવી હતી.

વિષ્ણુના પિતા રાધાકૃષ્ણન નાયરે વિદેશ મંત્રાલને આના સંદર્ભે મદદ કરવા માટે વિનંતી કરી છે. મહત્વપૂર્ણ છે કે રાધાકૃષ્ણન નાયર 21 વર્ષ ભારતીય વાયુસેનામાં સેવારત રહી ચુક્યા છે.