કોલકાતા, 16 મે 2026: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વ વાળી તૃણમૂલ કોંગ્રેસ સરકારના ત્રણ કાર્યકાળ દરમિયાન જારી કરાયેલા પછાત વર્ગના પ્રમાણપત્રોને લઈને વર્તમાન સરકારે એક અત્યંત મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે છેલ્લા 15 વર્ષોમાં ઇશ્યૂ કરવામાં આવેલા તમામ એસસી, એસટી અને ઓબીસી પ્રમાણપત્રોની ફરીથી ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે. આ અંતર્ગત તમામ જિલ્લા મેજિસ્ટ્રેટોને વર્ષ 2011 થી 2026 સુધીના પ્રમાણપત્રોની તપાસ કરવાના સ્પષ્ટ નિર્દેશો આપી દેવામાં આવ્યા છે.
નબન્ના સચિવાલયના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પશ્ચિમ બંગાળ પછાત વર્ગ વિકાસ વિભાગે તમામ જિલ્લા અધિકારીઓને કડક સૂચના આપી છે કે જો કોઈ વ્યક્તિએ નકલી અથવા બોગસ દસ્તાવેજોના આધારે ગેરકાયદેસર રીતે ઓબીસી કે અન્ય પછાત વર્ગનું પ્રમાણપત્ર મેળવ્યું હોય, તો તેની સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલાં ભરવામાં આવે. આંકડાઓ પર નજર કરીએ તો, છેલ્લા 15 વર્ષના સમયગાળામાં રાજ્યમાં અંદાજે 1.69 કરોડ પછાત વર્ગના પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે. જેમાં આશરે 1 કરોડ એસસી (અનુસૂચિત જાતિ), 21 લાખ એસટી (અનુસૂચિત જનજાતિ) અને 48 લાખ ઓબીસી (અન્ય પછાત વર્ગ) ના પ્રમાણપત્રોનો સમાવેશ થાય છે.
સરકારી વર્તુળોના જણાવ્યા અનુસાર, આ વ્યાપક તપાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે કોઈ પણ અયોગ્ય વ્યક્તિ ખોટી રીતે અનામત કે સરકારી યોજનાઓનો લાભ ન ઉઠાવી શકે. અગાઉની સરકારો દરમિયાન આ પ્રમાણપત્રો આપવામા મોટા પાયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદો ઉઠી હતી. વિભાગે જિલ્લા મેજિસ્ટ્રેટોને વધુમાં આદેશ આપ્યો છે કે, જો તપાસ દરમિયાન કોઈ સરકારી અધિકારી કે કર્મચારી પૈસા અથવા અન્ય કોઈ અંગત લાભ ખાતર ખોટી વ્યક્તિને જાતિનું પ્રમાણપત્ર આપતા દોષિત જણાશે, તો તેમની સામે પણ ખાતાકીય અને કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ પશ્ચિમ બંગાળની 35 જ્ઞાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાંથી બહાર કરી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, મે 2024માં કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે વર્ષ 2010 પછી પશ્ચિમ બંગાળમાં જારી કરાયેલા તમામ ઓબીસી પ્રમાણપત્રોને ગેરબંધારણીય ગણાવીને રદ કરી દીધા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે 2010 પછી તૈયાર કરાયેલી ઓબીસી યાદી કાયદાની જોગવાઈઓ મુજબ નહોતી. આ ઉપરાંત, ગત વર્ષે ડિસેમ્બરમાં રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ પશ્ચિમ બંગાળની 35 જ્ઞાતિઓને કેન્દ્રીય ઓબીસી યાદીમાંથી બહાર કરી દીધી હતી, જે તમામ મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલી હતી. ભાજપ પણ લાંબા સમયથી મમતા સરકાર પર વોટબેંકની રાજનીતિ હેઠળ ઓબીસી યાદીના નિયમોમાં ફેરફાર કરીને ચોક્કસ સમુદાયોને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવતું આવ્યું છે.

