Site icon Revoi.in

ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતાના અમલ બાદ 1.90 કરોડ રોકડા અને બે કરોડનું સોનું જપ્ત કરાયું

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજ્યભરમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. ચૂટણી દરમિયાન નાણાની હેરફેર રોકવા માટે તમામ જિલ્લાઓમાં ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યની બોર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાતમાંથી 1.90 કરોડની રોકડ અને બે કરોડની કિંમતનું સોનું પકડાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતની ચૂંટણીમાં કાળા નાણાની હેરાફેરી રોકવા ઈન્કમટેક્સ વિભાગે કોલ સેન્ટર શરૂ કર્યું છે. આઈટી વિભાગે અત્યાર સુધી અમદાવાદ, રાજકોટ અને સુરતમાં 11 કેસ કરી રૂ.1.91 કરોડ રોકડા અને 1.94 કરોડનું સોનું જપ્ત કર્યા છે.  નાણાની હેરાફેરી રોકવા  માટે 33 જિલ્લામાં 400 કર્મચારી મૂકાયા છે. જેમાં 6 ક્વિક રિસ્પોન્સ ટીમ, 12 એર ઇન્ટેલિજન્ટ યુનિટનો સમાવેશ થાય છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,  ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ઘોષણા કરતાની સાથે જ કાળા નાણાને ઝડપી પાડવા માટે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને નિર્દેશ કર્યો હતો. ચૂંટણી પંચે ચૂંટણી સમગાળા દરમિયાન રોકડ રકમની હેરફેર અને કાળા નાણાંના ઉપયોગ પર ચાંપતી નજર રાખવા ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જણાવ્યું હતું.  આઈટી ડિપાર્ટમેન્ટે અમદાવાદ રેલવે સ્ટેશન પર મુંબઇથી આવેલા એક પ્રવાસી પાસેથી  રૂ. 57 લાખ, દિલ્હીથી આવેલા અન્ય પ્રવાસી પાસેથી રૂ.15 લાખ અને મધ્ય પ્રદેશથી આવેલા પ્રવાસી પાસેથી  રૂ. 10 લાખ રોકડા મળી કુલ રૂ. 82 લાખ જપ્ત કર્યા હતા. ઉપરાંત રાજકોટમાંથી રૂ. 1.40 કરોડનું સોનું જપ્ત કરાયું હતું. રાજ્યમાં ચૂંટણી દરમિયાન કાળાનાણાનો ઉપયોગ ન થાય તે માટે નાણાની હેરાફેરી સામે બાજ નજર રાખવામાં આવી રહી છે. તેના લીધે સૌથી વધુ મુશ્કેલી આંગડિયા પેઢીઓને પડી રહી છે. ઘણીબધી આંગડિયા પેઢીઓએ ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી વેકેશન જાહેર કરી દીધું છે. ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટ ખાતે નવો કંટ્રોલ રૂમ બનાવ્યો છે. આ કંટ્રોલ રૂમમાં રોજના 20થી 25 કોલ લોકો રોકડ સાથે કેવા પ્રકારના દસ્તાવેજો રાખવા તેની માહિતી માગી રહ્યા છે.

Exit mobile version