Site icon Revoi.in

3 વર્ષમાં ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન: રાજીવ ચંદ્રેશખર

Social Share

અમદાવાદઃ આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી એક ટ્રિલિયન ડોલરને આંબી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ એવા ભારતને પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે. આગામી ત્રણ વર્ષના સમયમાં આ ડિઝીટલ ઇકોનોમીમાં 10 કરોડ યુવાનોને નોકરી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે. તેમ કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું હતું.

કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર મહારાજ સયાજી રાવ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા વિવિધ સ્ટાર્ટઅપની પ્રદર્શનીમાં પહોંચી તેના વિશે જીણવટભરી માહિતી મેળવી હતી અને બાદમાં આ ઇનોવેટર્સ સાથે સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે. સેમિ કન્ડક્ટર, સ્પેસ, મટિરિયલ્સ, ડ્રોન, એઆઇ, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે. દેશ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી દીર્ઘદ્રષ્ટિથી સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મજબૂતાઇથી આગળ વધી રહ્યો છે. છેલ્લા બે વર્ષ દરમિયાન દેશમાં એક સો યુનિકોર્ન એવો છે કે, જેમની વેલ્યુ રૂ. 80 હજાર કરોડ જેટલી થવા જાય છે. આ બાબત જ દર્શાવે છે કે, ભારત સ્ટાર્ટઅપ થકી અર્થતંત્રમાં ઉભરી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, આગામી દસ વર્ષમાં ભારત વિશ્વની ટેક્નોલોજીક જરૂરિયાતોને સંતોષશે, એ પ્રકારે કામ થઇ રહ્યું છે. દેશની યુવાશક્તિ વિશ્વને મહાત આપી રહી છે અને દુનિયાની સારી સારી કંપનીઓને પણ ભારતીય યુવાનો હંફાવી રહ્યા છે. દેશના ગરીબોને તેમને મળવાપાત્ર લાભો સમયસર અને સીધેસીધા તેના ખાતામાં ડીબીટી મારફતે મળી રહ્યા છે.