Site icon Revoi.in

ગુજરાતમાં આર્ટ ઓફ લિવીંગ સંસ્થા દ્વારા 1000 કરોડ વૃક્ષો વાવીને માવજતથી ઉછેરાશે

Social Share

અમદાવાદઃ આધ્યાત્મિક ગુરુ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાત યાત્રા કરી રહ્યા છે. પર્યાવરણ સુરક્ષાના હેતુથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટનો પ્રારંભ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાર સુધીમાં, વિશ્વમાં 5.5 કરોડ જેટલાં વૃક્ષોને ઉછેરવામાં આવ્યાં છે. “યુનાઇટેડ નેશન્સ એન્વાયરોન્મેન્ટ પ્રોગ્રામ” સાથે સંકળાઈ ને, 2008 થી સંસ્થા આ દિશામાં કાર્ય કરી રહી છે.

ગુજરાતમાં વાસદ ખાતે  મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની ઉપસ્થિતિમાં  તા. 23 સપ્ટેમ્બરના રોજ આર્ટ ઓફ લિવિંગ દ્વારા મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત વૃક્ષારોપણથી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ દ્વારા, આર્ટ ઓફ લિવિંગ સંસ્થા ગુજરાતમાં એક હજાર કરોડ વૃક્ષોને રોપીને તેનો ઉછેર કરશે. મિશન ગ્રીન અર્થ-ગુજરાત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરતાં મુખ્યમંત્રી અને ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી એ આર્ટ ઓફ લિવિંગ-ગુજરાત આશ્રમના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રીએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના આશીર્વાદ લઈને, આર્ટ ઓફ લિવિંગના સેવા કાર્યોને બિરદાવ્યા હતા. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ ગુજરાતની પ્રગતિ અને સમૃદ્ધિ માટે મુખ્ય મંત્રીના પ્રયાસોની પ્રશંસા કરી હતી તથા તેઓએ પોતાનો મૂલ્યવાન સમય ફાળવ્યો તે માટે આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના કલેક્ટર એમ. વાય. દક્ષિણી, એસપી પ્રવીણકુમાર મીના, એમએલએ પંકજ દેસાઈ, એમપી મિતેશ પટેલ, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વાસદથી ગુરુદેવ શ્રી શ્રીએ કેવડિયા કોલોની તરફ પ્રયાણ કર્યું હતું. પર્યાવરણ,વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રાલય – ભારત સરકાર દ્વારા 23-24 સપ્ટેમ્બરના રોજ, દેશના બધા જ રાજ્યોના ક્લાઈમેટ ચેન્જ વિભાગના મંત્રીઓ માટે કેવડિયા કોલોની ખાતે, પર્યાવરણ,વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં, નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ પરિષદને વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરી હતી તથા ગુરુદેવ શ્રીશ્રીનાં આશીર્વચન સાથે પરિષદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.