Site icon Revoi.in

ગુજરાતમાં પશુ સારવાર માટે 110 મોબાઈલ વેટરીનરી યુનિટ કાર્યરત, નવા 17 ઉમેરાશે, કૃષિમંત્રી

Social Share

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર અન્ય ક્ષેત્રો સાથે પશુપાલન અને ડેરી ક્ષેત્રને ખૂબ મહત્વ આપી રહી છે. ગુજરાતના પશુપાલકોને આર્થિક ઉન્નતિ તેમજ તેમના પશુઓને ગુણવત્તાયુક્ત અને ઉત્તમ પશુ આરોગ્ય સેવાઓ પ્રદાન કરવા માટે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે મક્કમ નિર્ધાર કર્યો છે.

તેમણે કહ્યું કે, પશુપાલન ક્ષેત્રે પણ ગુજરાત હરહંમેશ અગ્રેસર રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહામૂલા પશુધન માટે પશુપાલકોના ઘર આંગણે નિ:શુલ્ક પશુચિકિત્સા સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારની દસ ગામ દીઠ એક ફરતું પશુ દવાખાનું સ્થાપવાની યોજના અંતર્ગત 460  ફરતા પશુદવાખાના છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે, જે અંદાજે 5300થી વધુ ગામોના પશુઓને નિ:શુલ્ક સારવાર સુવિધા પૂરી પાડે છે.

મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત સરકારની આ સફળ યોજનાના આધારે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા નવી મોબાઈલ વેટરનરી યુનિટની યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના પશુપાલન ક્ષેત્રના અવિરત વિકાસને સુનિશ્ચિત કરવા કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ગુજરાત માટે 127 મોબાઈલ વેટરીનરી યુનીટ મંજૂર કરવામાં આવ્યા છે. જે પૈકી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે તબક્કાવાર અત્યાર સુધી કુલ 110  મોબાઈલ વેટરીનરી યુનીટનો શુભારંભ કરાવી તેને પશુ સેવામાં કાર્યરત કરવામાં આવેલ છે.

મંત્રી  પટેલે ઉમેર્યું કે, કેન્દ્ર સરકારે ગુજરાત માટે મંજૂર કરેલા 127 મોબાઈલ વેટરનરી યુનિટ પૈકી  કે અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગર જિલ્લામાં 1, છોટા ઉદેપુર જિલ્લામાં 3, તાપી જિલ્લામાં 2, નર્મદા જિલ્લામાં 1, નવસારી જિલ્લામાં 1, પંચમહાલ જિલ્લામાં 1, બનાસકાંઠા જિલ્લામાં 1, ભરુચ જિલ્લામાં 4 અને મહીસાગર જિલ્લામાં 1 મળી કુલ 17 મોબાઈલ વેટરીનરી યુનીટને જે-તે જિલ્લા કક્ષાએથી કાર્યરત કરવામાં આવશે.

Exit mobile version