Site icon Revoi.in

બરૌની-અમદાવાદની ટ્રેનમાં સિનિયર સિટીઝનના નામે મુસાફરી કરતા 116 મુસાફરો પકડાયા

Social Share

અમદાવાદઃ કોરોનાના કેસ ઘટતા હવે મોટાભાગની ટ્રેનો હાઉસફુલ દોડી રહી છે. ટ્રેનોમાં બુકિંગ વધુ હોવાથી કેટલાક એજન્ટો સિનિયર સિટીઝનના નામે ટિકિટ કન્ફર્મ કરાવીને અન્ય મુસાફરોને પધરાવી દેતા હોવાની ફરિયાદો ઉઠતા રેલવે દ્વારા ચેકિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે.

બરૌનીથી અમદાવાદ આવતી સ્પે. ટ્રેનમાંથી ટિકિટ વગર અને સિનિયર સિટીઝનને નામે ટિકિટ લઈ ગેરકાયદે મુસાફરી કરતા 116 પકડાયા હતા. પેસેન્જરો પાસેથી રૂપિયા 100670નો દંડ વસૂલ કરાયો હતો. કોરોનાના કેસ ઘટવાની સાથે ધંધા-રોજગાર ફરીથી ધમધમતા વતન ગયેલા શ્રમિકો પાછા ફરી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં છેલ્લા એક મહિનાથી ઘટાડો થઈ રહ્યો છે. તેના લીધે સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ઉદ્યોગ-ધંધા ફરીવાર ધમધમતા થતા પરપ્રાંતના વતન ગયેલા શ્રમિકો ફરીવાર પરત ફરી રહ્યા છે. જેના કારણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તિસગઢ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા જેવા રાજ્યોમાંથી આવતી ટ્રેનો હાઉસફુલ આવી રહી છે.આ સ્થિતિમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં ઘણાં લોકો ટિકિટ વગર જ મુસાફરી કરી રહ્યા છે.

બરૌની-અમદાવાદ સ્પે.એક્સપ્રેસ ટ્રેનમાં સુરત-અમદાવાદ વચ્ચે ચેકિંગ દરમિયાન સિનિયર સિટીઝન ક્વોટામાં ટિકિટ મેળવી મુસાફરી કરતા 116 જણાંને ઝડપી એક લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો હતો. મુસાફરોને કન્ફર્મ ટિકિટ મળતી નહોવાથી એજન્ટો પાસેથી ટિકિટ ખરીદીને મુસાફરી કરી રહ્યા છે. રેલવેએ એજન્ટો પાસેથી ગેરકાયદે અન્યના નામની ટિકિટ ન ખરીદવા મુસાફરોને અપિલ કરી છે.